Site icon Revoi.in

અમદાવાદમાં સવારના 7થી 10 દરમિયાન પ્રવેશ પ્રતિબંધ છતાં બેરોકટોક દોડતા ભારે વાહનો

Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી ટ્રક, ખાનગી બસય ટ્રેલર અને ડમ્પરો  સહિત ભારે વાહનો પ્રવેશવા અને ફેરવવા પર પોલીસ કમિશનરે પ્રતિબંધ મુકેલો છે. અને આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. છતાંયે ભારે વાહનો શહેરના માર્ગો પર દિવસના સમયે બેરોકટોક ફરતા જોવા મળે છે, શહેરમાં  શિવરંજની ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ઊભેલા ટુવ્હીલરને એક ખાનગી લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા પાછળ બેઠેલી યુવતી બસના ટાયર નીચે કચડાઈને મૃત્યુ પામી હતી. અકસ્માતની આ ઘટના બાદ ટ્રાફિક પોલીસે શહેરમાં દેડતા ભારે વાહનો સામે ઝૂબેશ શરૂ કરી છે. અને એક જ દિવસમાં શહેરમાં ફરતાં 18 ભારે વાહનો પકડીને 9 ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને 1 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરના પોલીસ કમિશનરે ભારે વાહનો માટે સવારના 7 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રતિબંધ મુકેલો છે. જો કે સરકારી વાહનો તેમજ જે વાહનોને પરમિટ આપવામાં આવી હોય એવા વાહનોને છૂટ મળેલી છે. શહેરમાં પીકઅપ અવર્સમાં જ ડમ્પરો ટ્રાફિક જામ કરતા જોવા મળે છે. વગ ધરાવતા બિલ્ડરોના ડમ્પરો હોવાથી તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. પરમિટવાળા ભારે વાહનોને પણ પીકઅપ અવર્સમાં પ્રતિબંધ મુકવા જોઈએ, એવી પણ માગ ઊઠી છે. તાજેતરમાં શહેરના શિવરંજની ક્રોસ રોડ પર ખાનગી બસે એક યુવતીનો ભોગ લીધો હતો. ત્યાર બાદ પોલીસે ભારે વાહનો સામે ઝૂંબેશ શરૂ કરી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે 28 દિવસમાં 52થી વધુ ભારે વાહનો પકડીને 21 ચાલક સામે જાહેરનામા ભંગનો ગુના નોંધ્યો છે. શહેરમાં ભારે વાહનોના ચાલકો બેફામ ઝડપે શહેરમાં પ્રતિબંધિત સમય હોવા છતાં પણ બિન્દાસ્ત ફરી રહ્યા છે, જેના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. ભારે વાહનોના કારણે 11 મહિનામાં 46 અકસ્માતમાં 28થી વધુ લોકોના મોત થયા છે. તાજેતરમાં નરોડા તથા શિવરંજની પાસે ભારે વાહનની ટક્કરથી એક યુવતી અને એક વૃદ્ધ સહિત બેના મોત નીપજ્યા હતા. શહેરના પાલડી, બાપુનગર કે રામોલ પાસેથી પ્રવેશતી ખાનગી લક્ઝરી બસના ચાલકોની પરમિટ તપાસવામાં આવી રહી છે. જે લોકો પાસે પરમિટ ન હોય અને શહેરમાં પ્રવેશ કર્યો હોય તેની સામે જાહેરનામા ભંગના ગુના નોંધવાનું શરૂ કર્યુ છે. ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 28 દિવસમાં 52 ભારે વાહન પકડવામાં આવ્યા છે, શહેરમાં બેરોકટોક દોડતા ડમ્પરો સામે પણ પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.