Site icon Revoi.in

કેદારનાથ માટે 1 ઓક્ટોબરથી હેલી સેવા થશે શરૂ,શ્રદ્ધાળુઓને દરરોજ 200 ઈ-પાસ આપવામાં આવશે

Social Share

દહેરાદૂન:ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે.જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત પણ કરી દીધી છે. જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. ત્યારે હવે કેદારનાથ ધામ માટે 1 ઓક્ટોબરથી હેલી સેવા શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી હેલી સેવા શરૂ કરવા માટે દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવી છે. હેલી સેવા દ્વારા જતા યાત્રાળુઓને દરરોજ 200 ઈ-પાસ આપવામાં આવશે.

કેદારનાથ ધામના દર્શન કરવા માટે ચાલી ન શકતા મુસાફરોને 1 ઓક્ટોબરથી હેલી સેવાની સુવિધા મળશે. આ માટે નાગરિક ઉડ્ડયન વિભાગે તૈયારીઓ કરી લીધી છે. ગુપ્તકાશી, સિરસી અને ફાટા હેલિપેડથી નવ ઉડ્ડયન કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. હેલી સેવા ચલાવતા પહેલા ડીજીસીએ ત્રણ સ્થળોના હેલિપેડ પર સલામતીના ધોરણોનું નિરીક્ષણ કરશે. આગામી થોડા દિવસો માટે ખરાબ હવામાનને કારણે કેદારનાથ માટે હેલી સેવાનું સંચાલન શક્ય નથી.

દેવસ્થાનમ બોર્ડના સીઈઓ રવિનાથ રમને જણાવ્યું હતું કે,કેદારનાથ માટે હેલી સેવા 1 ઓક્ટોબરથી ચલાવવાનો પ્રસ્તાવ પ્રાપ્ત થયો છે. જેમાં હેલી સેવા દ્વારા જતા મુસાફરોને 200 ઈ-પાસ આપવામાં આવશે.ચારધામ યાત્રા પર પ્રતિબંધને કારણે અગાઉ 1100 હેલી સેવાનું બુકિંગ રદ કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ઓથોરિટીએ બુકિંગ કરનારા મુસાફરોને પૈસા પરત કરી દીધા હતા.

બાબા કેદારના દર્શન માટે દેશના વિવિધ રાજ્યો સાથે સ્થાનિક ભક્તો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. સોમવારે સાંજે 4 વાગ્યા સુધી 631 યાત્રાળુઓ સોનપ્રયાગથી ધામ માટે રવાના થયા હતા જ્યારે 789 ભક્તોએ દર્શનનું પુણ્ય મેળવ્યું હતું. સોનપ્રયાગ ચોકીના પ્રભારી રવિન્દ્ર કૌશલે જણાવ્યું હતું કે, સોનપ્રયાગમાં સવારે 5 વાગ્યાથી ભક્તોએ નોંધણી માટે કાઉન્ટર પર ભેગા થવા લાગ્યા. સવારના 7 વાગ્યાથી અહીં ઘણી લાંબી લાઈન લાગી ગઈ હતી.તો બીજી બાજુ, કેદારનાથમાં દેવસ્થાનમ બોર્ડના ટ્રાવેલ ઇન્ચાર્જ વાય.એસ. પુષ્પવાણએ જણાવ્યું કે,789 યાત્રાળુઓ અત્યાર સુધી દર્શન કરી ચુક્યા છે.સાંજની આરતી સુધી ભક્તોને દર્શન કરાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,ઉત્તરાખંડ હાઇકોર્ટે કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા પર જે સ્ટે મુક્યો હતો તેને હટાવી દીધો છે જેને પગલે રાજ્ય સરકારે આ યાત્રાને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.