Site icon Revoi.in

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ યજમાન પદે પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાશે

Social Share

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાનપદે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને એન.એસ.એસ.ના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો તા. 30મી જાન્યુઆરીથી અનોખો કાર્યક્રમ યોજાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશભરમાં સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી સંદર્ભે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થકી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતની અમૂલ્ય યોગવિદ્યાની સાથે સાથે શરીરની તંદુરસ્તી માટે સંપૂર્ણ વ્યાયામ એવા સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યુ છે.દેશના 75 કરોડ લોકો આ સૂર્ય નમસ્કારની સાધના સાથે જોડાયા છે. ત્યારે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી તા.30 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી એટલે કે 8 દિવસ સુધી 25 લાખ સૂર્યનમસ્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને એનએસએસ વિભાગના સંયુકત ઉપક્રમે યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની વિવિધ કોલેજોના 25 હજાર જેટલા વિધાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક દિવસના 100 સૂર્ય નમસ્કાર કરશે એટલે કે આઠ દિવસ દરમિયાન 25 લાખ સૂર્ય નમસ્કારની ભવ્ય સાધના યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાશે. આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં શારીરિક શિક્ષણ વિભાગના આશરે 150 જેટલા પ્રોફેસરો યોગદાન આપશે.