લખનૌ, 16 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાજ્યના 18 જિલ્લાઓની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેલ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તમામ પ્રભાવિત કોર્ટ પરિસરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મળેલી જાણકારી મુજબ, રાજધાની લખનૌ ઉપરાંત મેરઠ, અયોધ્યા, વારાણસી, આઝમગઢ અને અમરોહા સહિત કુલ 18 જિલ્લા અદાલતોને ઈ-મેલ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. આ ઈ-મેલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બપોરે જિલ્લા અદાલતોમાં વિસ્ફોટ કરવામાં આવશે. આ માહિતી મળતા જ ન્યાયાધીશો, વકીલો અને અસીલોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
ધમકી મળ્યાના ગણતરીના સમયમાં જ પોલીસ પ્રશાસને સાવચેતીના પગલા રૂપે તમામ કોર્ટ પરિસરોને ખાલી કરાવી દીધા હતા. તેમજ બોમ્બ નિરોધક દસ્તો (Bomb Squad) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોર્ટ પરિસરમાં તપાસ કરવામાં આવી હતી. વાહનોના પાર્કિંગથી લઈને કોર્ટ રૂમ સુધી તમામ જગ્યાએ સઘન ચેકિંગ કરાયું હતું. બીજી તરફ જિલ્લા વહીવટીતંત્રે તમામ પ્રવેશદ્વારો પર કડક નજર રાખવા અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવા આદેશ આપ્યો હતો
યુપી પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને સાયબર સેલની મદદથી ઈ-મેલ મોકલનાર શખ્સનું લોકેશન ટ્રેસ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ કોઈ શરારતી તત્વનું કૃત્ય છે કે કોઈ મોટું ષડયંત્ર, તે દિશામાં તપાસ ચાલી રહી છે. હાલ પૂરતું તમામ 18 જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ હવે ભારતમાં જ બનશે રાફેલની ઘાતક હેમર મિસાઈલ, ફ્રાન્સ સાથે થશે ઐતિહાસિક સમજૂતી

