નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલા અર્કી બજાર વિસ્તારમાં મધ્ય રાત્રિ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ભિષણ આગ લાગી હતી. આગ છથી વધુ મકાનો અને કેટલીક દુકાનોમાં પ્રસરી હતી. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિના મોતની આશંકા વ્યક્ત થઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એક પછી એક છ જેટલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.
ઘટનાની વિગતો મુજબ, રવિવારે રાત્રે આશરે 2:30 વાગ્યાની આસપાસ જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું, ત્યારે એક મકાનમાં અચાનક આગ લાગી હતી. ઘરમાં રાખેલા LPG સિલિન્ડરો એક પછી એક ધડાકાભેર ફાટવા લાગતા આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેણે આસપાસના 6 થી વધુ મકાનો અને અનેક દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી હતી.
અર્કી બજારની સાંકડી ગલીઓને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. સિલિન્ડર ફાટવાનો સિલસિલો ચાલુ રહેતા બચાવકર્મીઓ માટે અંદર પ્રવેશવું જોખમી બન્યું હતું. જો કે, કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે, જોકે વહીવટીતંત્ર દ્વારા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે. હાલમાં કાટમાળ નીચે દબાયેલા કે ગુમ થયેલા લોકો માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય આપવાની ખાતરી આપવામાં આવી છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે.
(PHOTO-FILE)

