Site icon Revoi.in

હિમાચલપ્રદેશઃ શિમલામાંથી બે અફઘાન નાગરિકોની અટકાયત, 9 હજાર કરોડના ડ્રગ્સ કેસ સાથે સંડોવાયેલા હોવાની શંકા

Social Share

શિમલાઃ- થોડા દિવસો અગાઉ ગુજરાતના મુન્દ્રા બંદરેથી પકડાયેલા હેરોઈનના જથ્થાની તપાસના સંદર્ભમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ હિમાચલપ્રદેશની રાજધાની શિમલાની એક હોટલમાંથી  અગાઉની રાત્રે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે. હેરોઇનનો મોટો જથ્થો ભારતમાં સીધો પહોંચાડવામાં આ બંનેની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિતેલા દિવસને બપોરે 2.30 વાગ્યાની આસપાસ ડીઆરઆઈની દિલ્હી ટીમે નાના  શિમલાની એક હોટલમાં દરોડા પાડ્યા હતા. ટીમે અહીં પહેલેથી જ હાજર બે અફઘાન નાગરિકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા અને લગભગ ત્રણ કલાકની પૂછપરછ અને કાગળી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંનેને સવારે 6.30 વાગ્યે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, લગભગ દસ દિવસ પહેલા DRI એ ગુજરાતના મુન્દ્રા બંદર પરથી એક કન્ટેનરમાં સંતાડેલ ત્રણ હજાર કિલો હેરોઈનનો મોટો જથ્થો પકડ્યો હતો. આ માલની કિંમત અંદાજે રૂપિયા 9 હજાર કરોડ હોવાનું મનાઈ રહ્યું છે.

આ સમગ્ર બાબતને લઈને સૂત્રોનું કહેવું છે કે આ કેસની તપાસ કરી રહેલી ડીઆરઆઈ એ છેલ્લા ત્રણ દિવસમાં આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછના આધારે તપાસ અધિકારીઓને શિમલામાં બે અફઘાન નાગરિકો સંતાયેલા હોવાની બાતમી મળી હતી. નાના શિમલા પોલીસના કેટલાક કર્મચારીઓ સાથે દિલ્હીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.