નવી દિલ્હીઃ મણિપુરમાં અનેક પ્રયાસો કરવા છતાં હિંસા અટકવાનું નામ લેતી નથી, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પણ લોકોને શાંતિ માટે અપિલ કરી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આગામી 24 જૂને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આગામી શનિવારે બપોરે 3 કલાકે સર્વપક્ષીય બેઠક યોજાશે. બુધવારે મણિપુરના ક્વાકાટા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 3 નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં સર્વપક્ષીય બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે
મણિપુર હિંસાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં 24 જૂને સર્વપક્ષિય બેઠક બોલાવી છે. આ દરમિયાન મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. હકીકતમાં વિપક્ષ લાંબા સમથી સરકાર પાસે માંગ કરી રહ્યું હતું કે મણિપુરની હિંસાને મામલે સર્વદળીય બેઠક બોલાવવામાં આવે. નોંધનીય છે કે મણિપુરમાં આશરે 50 દિવસથી હિંસા ચાલી રહી છે. જ્યાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે. અનેક લોકો બેઘર થયા છે.
આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિની ચર્ચા કરવા માટે 26 જૂન બપોરે 3 કલાકે નવી દિલ્હીમાં સર્વદળીય બેઠક બોલાવી છે. મણિપુરમાં લગભગ 50 દિવસથી શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સતત હિંસાઓની ઘટના થઈ રહી છે. મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પાસે સર્વપક્ષીય બેઠકની માંગ કરી રહી હતી. 16 જૂને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ કારણ કે દેશ જવાબ માંગી રહ્યો છે.
મણિપુરમાં પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા ઈન્ટરનેટ પ્રતિબંધ 25 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને ડેટા સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે એક મહિના પહેલા ફાટી નીકળેલી હિંસામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મેઇતેઇ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ પ્રથમ વખત અથડામણો ફાટી નીકળી હતી.