Site icon Revoi.in

ચીને પાકિસ્તાન સાથે કર્યો શસ્ત્ર સોદાનો કરાર, દક્ષિણ એશિયામાં સૈન્ય સંતુલન પર થશે અસર

Social Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર મામલે તણાવની વચ્ચે સોમવારે પાકિસ્તાની સેનાના રાવલપિંડી ખાતેના મુખ્યમથક ખાતે ચીન અને પાકિસ્તાને સંરક્ષણ સહયોગ વધારીને સૈન્યને મદદ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

પાકિસ્તાની સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એમઓયૂ પર હસ્તાક્ષર ડિફેન્સ કોઓપરેશનના વિસ્તરણ અને પાકિસ્તાની સેનાની ક્ષમતા વધારવા માટે કરવામાં આવ્યા છે.

જો કે પાકિસ્તાન સાથે ચીનની લશ્કરી જુગલબંધી વર્ષો જૂની છે. ડિફેન્સ ડીલની જાહેરાત વખતે જ સોમવારે શાહીન-8ના કોડનેમ સાથે ચીન અને પાકિસ્તાનની વાયુસેનાઓએ સંયુક્ત યુદ્ધાભ્યાસ પણ શરૂ કર્યો છે. આ સંયુક્ત વાયુસૈન્ય કવાયતનો ઉદેશ્ય બંને દેશોએ પોતાની તાલીમના માપદંડોમાં સુધારાનો દર્શાવ્યો છે. આ બંને દેશો વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયતની આ આઠમી શ્રેણી છે.

પાકિસ્તાન વૈશ્વિક શસ્ત્ર આયાતમાં 2.8 ટકાનો હિસ્સો ધરાવે છે-

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પ્રમાણે, 2013-17ના દુનિયાના દશ સૌથી મોટા શસ્ત્ર આયાત કરનારા દેશોમાં અડધા એશિયા અને ઓશેનિયા ક્ષેત્રના ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

રસપ્રદ રીતે 2013-17 દરમિયાન ગ્લોબલ આર્મ્સ ઈમ્પોર્ટ્સમાં પાકિસ્તાનની હિસ્સેદારી 2.8 ટકા છે.

આ અહેવાલ મુજબ, 2008-12 અને 2013-17 દરમિયાન ચીને પાકિસ્તાનને સૌથી વધુ શસ્ત્રો પુરા પાડયા હતા.

ચીન દ્વારા પાકિસ્તાનને 2008-12 અને 2013-17ના સમયગાળામાં લગભગ એક સમાન સ્તરે શસ્ત્રોની નિકાસ કરી હતી. પરંતુ 2008થી 2012 દરમિયાન પાકિસ્તાનની શસ્ત્ર આયાતમાં ચીનની હિસ્સેદારી 45 ટકા અને 2013થી 2017 દરમિયાન પાકિસ્તાનની હથિયારોની આયાતમાં ચીનની ભાગીદારી 70 ટકા રહી હતી. આ સમયગાળામાં પાકિસ્તાનની શસ્ત્રોની આયાત એકંદરે ઘટી હતી.

અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્ર સહાયતા ઘટાડી-

2008-2012 દરમિયાન અમેરિકા તરફથી પાકિસ્તાનને 28 કોમ્બેટ એરક્રાફ્ટ અને પાંચ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ સહીતની સૈન્ય સહાયતા મળી હતી.

2013-17 દરમિયાન અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા હતા. અમેરિકાનું માનવું હતું કે પાકિસ્તાન તાલિબાનોની નશ્યત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ નથી. જેને કારણે અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી શસ્ત્ર સહાયને ઘટાડી હતી. પીસ ઈન્સ્ટિટ્યૂટ પ્રમાણે 2008-12ના મુકાબલે અમેરિકાની પાકિસ્તાનને શસ્ત્ર નિકાસ 76 ટકા ઘટી હતી.

ચીન, અમેરિકા, રશિયા પાકિસ્તાનના મુખ્ય શસ્ત્ર આપૂર્તિકર્તા-

SIPRIના અહેવાલ પ્રમાણે, 2013-17 દરમિયાન ચીન 48 દેશોનું મુખ્ય શસ્ત્ર આપૂર્તિકર્તા હતું.

પાકિસ્તાન 35 ટકા સાથે ચીનનું મુખ્ય શસ્ત્ર ખરીદદાર રહ્યું હતું. 1991થી તમામ પાંચ વર્ષીય સમયગાળા માટે પાકિસ્તાન અને ચીન વચ્ચેના શસ્ત્ર સોદાઓની આવી સ્થિતિ રહી છે.

2008-12 દરમિયાન પાકિસ્તાન વિશ્વના મુખ્ય શસ્ત્ર આયાતકાર દેશોમાંથી એક હતું અને તે સમયગાળમાં ચીન, અમેરિકા અને રશિયા જેવા મુખ્ય આપૂર્તિકર્તા દેશોમાંથી તેની આયાતની વૈશ્વિક ટકાવારી 4.9 ટકા રહી હતી.

ચીન પાકિસ્તાનને શસ્ત્રો પુરા પાડનાર મુખ્ય દેશ

2008થી 2012 દરમિયાન પાકિસ્તાનની શસ્ત્ર આયાતમાં ચીન 70 ટકા, અમેરિકા 12 ટકા અને રશિયા 5.7 ટકા હિસ્સો ધરાવતા હતા.

ચીન-પાકિસ્તાન ફ્રેન્ડશિપ લિંક સીપીઈસી-

ચીનનો પાકિસ્તાન સાથેનો શસ્ત્રોનો વેપારને તેના 56 અબજ ડોલરના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનીડીલ અને વન બેલ્ટ-વન રોડની પહેલ બીઆરઆઈ સાથે જોડવામાં આવે છે.

સીપીઈસી પ્રોજેક્ટ દ્વારા ચીનના ઘણાં વ્યાપાર માર્ગ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સાથે જોડાવાના છે.

રિપોર્ટ પ્રમાણે, ચીને આના કેટલાક વિસ્તારોમાં પોતાની સૈન્ય ટુકડીઓને પણ તેનાત કરી છે.

જો કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ માટે સ્થાનિકોના વિરોધને કારણે ગ્વાદર ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી એક મોટો પડકાર છે. આ સિવાય ચીનના મેગા પ્રોજેક્ટ્સને કારણે દાવા પ્રમાણેની નોકરીઓની તકો પણ ઉભી થઈ નથી, જેને કારણે આખા પ્રોજેક્ટ માટે પાકિસ્તાનમાં લોકોનું બિલકુલ હતાશ વલણ છે. આને ચીનની પાકિસ્તાની ગુલામી તરીકે પણ કેટલાક જાણકારો ઓળખાવી રહ્યા છે.

ઈમરાનખાને ભારતને આપી છે ધમકી-

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારાની સ્થિતિ વચ્ચે ભારતીય અધિકારીઓ ચીન-પાકિસ્તાનના સંરક્ષણ સંબંધો કેવી રીતે આગળ વધી રહ્યા છે, તેના પર ઝીણવટ ભરેલી નજર રાખી રહ્યા છે.

ટેલિવિઝનના માધ્યમથી પાકિસ્તાનની આવામને કરેલા સંબોધનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને યુદ્ધની સ્થિતિમાં ભારતને પરમાણુ હથિયારોની ધમકી આપી હતી. 

પરંતુ રાવલપિંડી ખાતે ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલી શસ્ત્ર સોદાની હિલચાલ દ્વારા દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલનને અસર પહોંચાડે તેવી શક્યતાઓ જાણકારો જોઈ રહ્યા છે અને તેને કારણે ભારત પણ સાવધાન છે.