Site icon Revoi.in

કેવું છે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. લાંબી રાહ જોયા બાદ આખરે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ ગયું છે. અમદાવાદના સાબરમતીમાં બનેલા આ ભવ્ય રેલવે સ્ટેશનનો વિડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર શેર કર્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા જઈ રહી છે. આ ટ્રેન જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી છે.

આ અત્યાધુનિક ટ્રેનની મદદથી અમદાવાદથી મુંબઈનું અંતર માત્ર બે કલાક અને સાત મિનિટમાં કાપવામાં આવશે. બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. તે પહેલા અમદાવાદના સાબરમતી એક્સટેન્શનમાં મલ્ટી જંકશન પૂર્ણ થયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા પહેલીવાર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

રેલવે મંત્રીએ શેર કરેલા વીડિયોમાં બુલેટ ટ્રેન ટર્મિનલની અદભુત ઝલક જોવા મળી રહી છે. વીડિયો ટ્વીટ કરીને રેલવે મંત્રીએ લખ્યું છે કે, ‘ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું ટર્મિનલ! સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, અમદાવાદ.આ વિડિયોમાં એક સુંદર ઝલક રજૂ કરવામાં આવી છે. તે બુલેટ ટ્રેન સ્ટેશન બતાવે છે જે ભારતના સાંસ્કૃતિક વારસાને આધુનિક આર્કિટેક્ચર સાથે જોડે છે. વીડિયોમાં આધુનિક ટેક્નોલોજી અને ભારતીય પરંપરાઓનું મિશ્રણ લોકોને પસંદ આવી રહ્યું છે.

બુલેટ ટ્રેન વિશે મળતી માહિતી મુજબ, બુલેટ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુસાફરોને આરામદાયક અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા સ્ટેશનો અને ટ્રેનના કોચમાં ઘણી અત્યાધુનિક સુવિધાઓ છે. આ સાથે મુંબઈ-અમદાવાદને 508 કિલોમીટરના ડબલ-લાઈન ટ્રેક દ્વારા જોડવામાં આવશે, જેના કારણે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટીને માત્ર 2.07 કલાક થઈ જશે.

બહુપ્રતિક્ષિત બુલેટ ટ્રેન ભારતમાં 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે. વર્ષ 2017માં એક કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ ભવ્ય ટ્રેન પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમની સાથે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેએ પણ ભાગ લીધો હતો. બંને દેશોના સંયુક્ત પ્રયાસોથી બનેલ આ પ્રોજેક્ટ હાલમાં નિર્માણાધીન છે. તેનો પ્રથમ તબક્કો 2026 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે જ્યારે સમગ્ર પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.