Site icon Revoi.in

અમદાવાદમાં કોંક્રિટના જંગલસમા વિસ્તારોમાં લીલાછમ વૃક્ષો કેટલા ? AMC દ્વારા ગણતરી કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વધતી જતા વસતીને લીધે હાઈરાઈઝ બિલ્ડિંગો પણ વધી રહ્યા છે. અને શહેરી વિસ્તાર કોંક્રિટનું જંગલ બની ગયો છે. ચારેતરફ ઉંચી ઉંચી ઈમારતોને લીધે રસ્તા સુધી સૂર્યનો તડકો પણ પહોંચતો નથી. સાથે વિકાસના કામોને લીધે લીલાછમ વૃક્ષો પણ બેરોકટોક કપાયા છે. એટલે શહેરના ગ્રીન કવરમાં ઘટાડો થયો છે. શહેરમાં વૃક્ષોની સંખ્યા ઘટવાને લીધે પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થયા છે. શહેરમાં કેટલા વૃક્ષો છે. કેવા પ્રકારના વૃક્ષો છે. તેની પુરતી માહિતી મ્યુનિ.કોર્પોરેશન પાસે નથી. કારણ કે, વર્ષોથી હૈયાત વૃક્ષોની ગણતરી કરવામાં આવી નથી. હવે એએમસીએ શહેરમાં વૃક્ષોની ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા વૃક્ષોની ગણતરી કરાશે. શહેરમાં ક્યાં, કેટલા અને કેવા પ્રકારના વૃક્ષો છે. તેની માહિતી મેળવાશે. પહેલીવાર GIS તેમજ GPS મેપિંગ પદ્ધતિથી વૃક્ષોની ગણતરી કરાશે. જોકે, 13 વર્ષના લાંબા ગાળા બાદ એએમસી ટ્રી સેન્સસ કરશે. જેને કારણે શહેરમાં કેટલા, કયા પ્રકારના વૃક્ષો છે તે જાણી શકાશે. સાથે જ વિકસતા શહેરની સાથે જરૂરી વૃક્ષો જેટલી હાજરી પણ છે કે નહિ તે પણ જાણી શકાશે. સાથે જ માનવ જીવન માટે ખતરારૂપ કોનોકાર્પસ પણ કેટલા છે તે પણ જાણી શકાશે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે વૃક્ષોની ગણતરી કરવામાં આવે જ છે. પરંતું પહેલીવાર શહેરના તમામ 48 વોર્ડ વિસ્તાર સહિત એસ.જી.હાઈવે તથા સરદાર પટેલ રીંગ રોડ આસપાસના વિસ્તારોમાં ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ પધ્ધતિથી વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. તેર વર્ષ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હયાત વૃક્ષોની ગણતરી ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ અને ગ્લોબલ ઈન્ફર્મેશન પધ્ધતિથી કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં શહેરમાં દસથી બાર ટકા ગ્રીન કવર એરીયા હોવાનુ કહેવાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી શહેરમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે. 15 એપ્રિલે પ્રિબીડ મિટીંગ થશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  વર્ષ-2011માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા વૃક્ષોની મેન્યુઅલી ગણતરી કરવામાં આવી હતી.એ સમયે શહેરમાં કુલ 6.18 લાખ વૃક્ષો હતા.વર્ષ-2011માં શહેરનો ગ્રીન કવર એરીયા 4.66 ટકા હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ.