નવી દિલ્હી: સરકાર દ્વારા મનરેગા (MNREGA) યોજનાનું નામ બદલવા માટે રજૂ કરાયેલા બિલને લઈને મંગળવારે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સદનમાં બિલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે ગૃહમાં ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G બિલ 2025 રજૂ કરવાની મંજૂરી માંગી હતી.
બિલનો બચાવ કરતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, “મહાત્મા ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો સંકલ્પ હતો કે જે સૌથી નીચે છે, તેમનું કલ્યાણ સૌપ્રથમ થવું જોઈએ. સરકાર ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની ભાવનાઓ અનુસાર અનેક જનકલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે.” તેમણે જાહેરાત કરી કે, “અમે રોજગાર ગેરંટી યોજના હેઠળ 100 દિવસને બદલે 125 દિવસના રોજગારની ગેરંટી આપી રહ્યા છીએ.” નામ બદલવાના વિપક્ષના વિરોધ પર પલટવાર કરતા ચૌહાણે કોંગ્રેસને સવાલ કર્યો હતો કે, “કોંગ્રેસે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્યું હતું, તો શું તેનાથી જવાહર લાલજીનું અપમાન થયું હતું?”
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ બિલ સંપૂર્ણપણે મહાત્મા ગાંધીજીની ભાવનાઓને અનુરૂપ છે. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, “ખબર નથી શા માટે વિપક્ષને યોજનામાં રામનું નામ આવવાથી વાંધો પડી રહ્યો છે.” લોકસભામાં આ બિલ રજૂ કરવાના પ્રસ્તાવ પર પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલો અને નારેબાજી જોવા મળી હતી.

