Site icon Revoi.in

મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી, હું ઈન્ટ્રેસ્ટેડ નથી, રામમંદિર જવાના વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી

Social Share

નવી દિલ્હી: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યુ છે કે તે રામમંદિરના ઉદ્ઘાટન સમારંભમાં જઈ રહ્યા નથી. તેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે 22 જાન્યુઆરીની ઈવેન્ટ રાજકીય કાર્યક્રમ છે. અમે તમામ ધર્મોની સાથે છીએ. મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી. હું તેમાં ઈન્ટ્રેસ્ટેડ નથી. મારે મારો ધર્મ શર્ટ પર પહેરવાની જરૂરત નથી. જો કે જે પણ ત્યાં જવા ઈચ્છે છે, તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં નહીં જઈએ. અમારી પાર્ટીમાંથી કોઈપણ ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય ઈવેન્ટમાં નહીં જઈએ.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે જે મારો વિચાર છે, તે એ છે કે જે ખરેખર ધર્મને માને છે, તે ધર્મની સાથે અંગત સંબંધ ધરાવે છે. હું ધર્મના સિદ્ધાંતોથી પોતાની જીંદગી જીવવાની કોશિશ કરું છું. લોકોની સાથે યોગ્ય  વ્યવહાર કરું છું. તેમનું સમ્માન કરું છું. હું નફરત ફેલાવતો નથી.

આરએસએસ અને ભાજપે 22 જાન્યુઆરીના કાર્યક્રમને રાજકીય નરેન્દ્ર મોદી કાર્યક્રમ બનાવી દીધો છે. આ સંઘ અને ભાજપનો પ્રોગ્રામ બની ગયો છે. માટે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ છે કે તેઓ કાર્યક્રમમાં જવાના નથી. અમે તમામ ધર્મોને માનનારા અને તેમનો આદર કરનારાઓમાંથી છીએ. હિંદુ ધર્મના સૌથી મોટા નેતૃત્વકર્તાઓએ પણ પોતાના વિચાર મૂક્યા છે. તેમણે પણ તેને રાજકીય કાર્યક્રમ ગણાવ્યો છે.

આ તમામ વાતો રાહુલ ગાંધીએ નગાલેન્ડના કોહિમા શહેરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહી હતી. મહત્વપૂર્ણ છે કે હાલ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા છે. મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા હાલ નગાલેન્ડમાં છે.