Site icon Revoi.in

દુશ્મન દેશમાં પણ બહાદૂરીથી વાત કરી રહ્યો છે મારો પુત્ર, મને તેના પર છે ગર્વ: વિંગ કમાન્ડર અભિનનંદનના પિતા

Social Share

પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના પિતા અને ભૂતપૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને પોતાના પુત્રને એક બેહદ ભાવુક સંદેશ લખ્યો છે અને આ સંદેશો એક બહાદૂર પિતા દ્વારા પોતાના શૂરવીર પુત્રને લખવામાં આવ્યો છે. ભૂતપૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને આ સંદેશો પોતાના મિત્રો અને સગા-વ્હાલાં દ્વારા દેશવાસીઓ સુધી પહોંચાડયો છે.

સંદેશામાં પોતાના પુત્રને સંબોધિત કરીને એક બહાદૂર પિતાએ લખ્યું છે કે-

અભિનંદન પ્રત્યે તમારી ચિંતા માટે આભાર. ઈશ્વરનો આભારી છું કે તે જીવિત છે અને ઘાયલ નથી. માનસિકપણે ઠીક છે. બહાદૂરીથી વાત કરી રહ્યો છે, જેવું કે એક સૈનિક કરે છે. અમને તેના ઉપર ગર્વ છે. તમારો આશિર્વાદ તેની સાથે છે. એવી કામના કરું છું કે તેની સુરક્ષિત વાપસી થાય. તેને યાતનાઓ આપવામાં આવે નહીં. આ નાજૂક ઘડીમાં સાથ આપવા બદલ આપ તમામનો આભાર. અમને તમારા સમર્થનથી ઊર્જા મળી છે.

ક્રેશ થયેલા મિગ-21ના વિંગ કમાન્ડર અભિનંદનને બુધવારે એલઓસી પાર પાકિસ્તાની સુરક્ષાદળો દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ છે કે સ્થાનિક લોકોએ તેમની સાથે ગેરવર્તન કર્યું છે. બાદમા પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા.

વિંગ કમાન્ડર અભિનંદનનો વધુ એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. સોશયલ મીડિયામાં શેયર કરવામાં આવેલા વીડિયોમાં તેઓ દેખાઈ રહ્યા છે. વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની કસ્ટડીમાં પણ બેહદ મજબૂતાઈ સાથે વાત કરી રહ્યા છે અને માનસિક સંતુલન પણ તેમણે જાળવી રાખ્યું છે.

આખા દેશની દુવાઓ વિંગ કમાન્ડર અભિનંદનની સાથે છે. સરકારે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ ભારતીય પાયલટને સકુશળ પાછા મોકલે. જિનિવા કન્વેન્શન પાકિસ્તાનમાં તેમનું કવચ બનશે. તેના પ્રમાણે દુશ્મન દેશ તેમને હેરાન કરી શકશે નહીં અને તેમને ડરાવી કે ધમકાવી પણ નહીં શકે. તેમને અપમાનિત કરવા અથવા તબીબી સુવિધાથી પણ વંચિત રાખવાની હરકત પણ પાકિસ્તાન કરી શકશે નહીં.

ચેન્નઈના તામ્બરમ વિસ્તારની નજીક એક ડિફેન્સ કોલોનીમાં રહેતા રિટાયર્ડ વાયુસૈન્ય અધિકારી એસ. વર્ધમાનને પુરો ભરોસો છે કે તેમનો પુત્ર સુરક્ષિત ઘરે પાછો આવશે. વર્ધમાન એરફોર્સમાંથી રિટાયર થયા બાદ અહીં જ રહે છે અને સંકટની આ ઘડીમાં તેમની સાથે કેટલાક તેમના નિકટવર્તીઓ હાજર છે. મીડિયા અને સ્થાનિક લોકોની ભીડને તેમના મકાનથી દૂર રાખવામાં આવ્યા છે. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદે વર્ધામાનના પરિવારની મુલાકાત લઈને તેમની સાથે વાતચીત કરી છે.

એક બહાદૂર સૈનિક પિતાની ખુમારી પણ સંકટની ઘડીમાં દેખાઈ છે. રિટાયર્ડ એરમાર્શલ એસ. વર્ધમાને કહ્યુ છે કે તેમનો પુત્ર એક સાચ્ચો સિપાહી છે.

વિંગ કમાન્ડર અભિનંદને અમરાવતીની સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને 200માં તેઓ ફાઈટર પાઈલટ તરીકે ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. તેમના પરિવારમાં ઘણાં લોકો સેના સાથે જોડાયેલા છે. અભિનંદનના પિતા ખુદ વાયુસેનાના અધિકારી રહી ચુક્યા છે. તો આ જાંબાજ પાયલટની પત્ની સ્ક્વોર્ડન લીડર તન્વી મારવાહ પણ એક રિટાયર્ડ હેલિકોપ્ટર પાયલટ છે. આ યુગલને એક પુત્ર પણ છે.