દિલ્હીઃ કોઈ દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે તો તેને અટકાવવા માટે ભારત સક્ષમ છે. તેમજ સીમા વિવાદને લઈને ભારત-ચીન વચ્ચેની ચર્ચામાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેમ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. આ ઉપરાંત પડોશી દેશ પાકિસ્તાનને પણ રાજનાથસિંહે આડેહાથ લઈને કહ્યું હતું કે, સરહદ પાર કરીને દુશ્મનોનો ખાતમો બોલાવવા માટે ભારતીય સેના સક્ષમ છે.
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ચીન સાથે લદ્દાખ સરહદે ચાલી રહેલા વિવાદનો કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી, પરિણામે સ્થિતિ જેમની તેમ જ છે. પરંતુ ટુક સમયમાં સૈન્ય સ્તરની બેઠક મળશે. જો કોઈ દેશ વિસ્તરણવાદની નીતિ અપનાવે છે, તો ભારત પાસે તેની તાકાત છે, તે પોતાની જમીનમાં આવતા રોકી શકે. ચીન સીમાની પોતાની તરફ સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે, પરંતુ ભારત તેની સેના અને નાગરિકો માટે પણ કામ કરી રહ્યું છે. અમે કોઈના પર હુમલા માટે નહીં પરંતુ પોતાની સુવિધા માટે આવું કાર્ય કરી રહ્યા છીએ.
પાકિસ્તાન મુદ્દે સંરક્ષણંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સેનામાં સક્ષમતા છે કે તે સરહદ પાર કરીને દુશ્મનનો ખાતમો બોલાવી શકે છે. ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે અને આપણી સરહદો પર કોઈપણ દેશ છેડછાડ કરશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે.