Site icon Revoi.in

ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં નોરિપિટ થિયરી અપનાવાશે તો ધૂરંધરોને પણ ટિકિટ નહીં મળે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સહિત મંત્રી મંડળના તમામ સભ્યોના રાજીનામાં લઈને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળી છે. તેમના મંત્રી મંડળમાં તમામ મંત્રીઓ નવા છે. પહેલીવાર એવું છે કે જૂના જોગીની જગ્યાએ પ્રથમવાર જ ધારાસભ્ય બનનારા કેટલાકને મંત્રીઓ બનાવવામાં આવ્યા છે તો આપણો પણ ક્યારેક વારો આવશે તેવી આશા કાર્યકર્તાઓમાં જાગી છે. જ્યારે મંત્રીપદ ગુમવનારા સિનિયર નેતાઓ અને તેમના સપોર્ટર્સમાં એ બાબતે અવઢવ જોવા મળી રહી છે કે શું આગામી વિધાનસભા ચૂંટણી 2022માં પક્ષ તેમને ટિકિટ આપશે કે નહીં. ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં નોરિપિટ અપનાવશે તો મોટાભાગના બે-ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોને ટિકિટ મળવી મુશ્કેલ બનશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે પરિવર્ત લાવવા માટે જુના નેતાઓના સ્થાને નવા અને પહેલીવાર ચૂંટાયેલા ધારાસભ્યોને મંત્રી બનવાની તક આપી છે.  જે રીતે પક્ષના મોવડી મંડળે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળને પડતા મૂક્યા છે અને નવા જ ચહેરાઓને આગળ કરીને સરકારની રચના કરી છે તે જોતા લાગી રહ્યું છે કે ભાગ્યે જ કોઈ જૂના મંત્રીને કે નેતાને આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે અને જો મળશે તો કોઈ એકલદોકલ જેવો કેસ હશે.  પૂર્વ મંત્રીએ આગળ ઉમેર્યું કે  રુપાણી કેબિનેટમાં જેટલા પણ મંત્રીઓ હતા તે પૈકી મોટભાગના 60ની ઉપરના હતા અને દાયકાથી મંત્રી તરીકે કામ કરતાં હતાં. તેવામાં જ્યારે પાર્ટીએ ચૂંટણી પહેલા જ આ જાણીતા ચહેરાઓને પડતાં મૂક્યા છે તો આગામી ચૂંટણીમાં પણ નવા ચહેરાઓ અને નવી પેઢીને આગળ કરવામાં આવશે. પક્ષ આ રીતે એન્ટિ-ઇન્કમ્બન્સીને પણ દૂર કરશે.

ભાજપના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પક્ષના મોવડી મંડળ પાસે આગામી લાંબાગાળાનું એક ક્લિયર વિઝન છે. પક્ષની નીતિ છે કે નવી પેઢીને ચાન્સ આપીને નવી લીડરશિપ તૈયાર કરવામાં આવે અને આ રીતે ગુજરાતમાં પક્ષને આગળ વધારવા માટે નવી નેતાગીરી તૈયાર થાય. જેના કારણે પક્ષના મોવડી મંડળે આ નિર્ણય કર્યો છે. તમામ મંત્રીઓ જેમણે ત્રણ ટર્મ સુધી પદ ભોગવ્યું છે તેમને આગામી 2022ની ચૂંટણીમાં ટિકિટ નહીં મળે, જોકે ક્યા નેતાએ પાર્ટીને મજબૂત કરવામાં ક્યા પ્રકારની ભૂમિકા ભજવી છે તેને ધ્યાને રાખીને ચૂંટણી પહેલા તેમને પક્ષમાં જ કોઈ મહત્વની જવાબદારી સોંપવમાં આવી શકે છે.