Site icon Revoi.in

બાગ બગીચા, જીમ ખોલવાની મંજુરી અપાતી હોય તો કોચિંગ ક્લાસ ખોલવાની મંજુરી કેમ અપાતી નથી?

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. બીજી બાજુ તમામ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણનો પ્રરંભ પણ થઈ ગયો છે. પણ હજુ કોચિંગ કલાસને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી નથી. કોચિંગ ક્લાસીઝ 15 મહિનાથી બંધ છે. ત્યારે રાજ્યના રપ જિલ્લામાં આજે સવારે 11 વાગ્યે એકસાથે દરેક જિલ્લા કલેક્ટરને કોચીંગ ક્લાસીઝ શરૂ કરાવવા, પ્રોપર્ટી ટેક્સ માફ કરવા, લાઈટ બિલમાં રાહત આપવા સહિતની રજૂઆતો સાથેનું મુખ્યમંત્રીને સંબોધીને લખેલા આવેદન પત્રો પાઠવાયા હતા.

ટયુશન ક્લાસીઝ સંચાલકોએ જણાવ્યું હતું કે નાના ક્લાસીઝ ચલાવતા શિક્ષકો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ભાડાંના મકાનમાં ક્લાસીઝ ચલાવતા હોય તેમને ભાડું ભરવાના પણ પૈસા નથી. કોઈ લોન લઈને નિર્વાહ ચલાવી રહ્યા છે, જેમણે લોન પર મિલકત લઈને ક્લાસીઝ શરૂ કર્યા તેમની પાસે લોનના હપ્તા ભરવાના પૈસા નથી. કેટલાક સંચાલકો અત્યારે ઓનલાઈન ટયુશન આપે છે પરંતુ તેમને પુરતી ફી નથી મળતી. માત્ર ગાડું ગબડાવવા માટે તેઓ ઓનલાઈન ટયુશન આપી રહ્યા છે. આવા સંચાલકોની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી ઓછી છે.

તેમણે રજૂઆત કરી હતી કે ટયુશન ક્લાસીઝમાં એક બેચમાં 10થી 15 જેટલા વિદ્યાર્થી હોય છે. જેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું શક્ય છે. વળી વાલીની મંજૂરી બાદ તેઓ ભણવા આવતા હોય છે. ઓનલાઈન અભ્યાસથી ઉલટાનું બાળકોને મોબાઈલની ટેવ પડી ગઈ છે. ગુજરાતમાં થીએટર, બાગ-બગીચા, જીમ શરૂ કરવા છૂટ મળી છે તો ટયુશન ક્લાસીઝ શરૂ કરવાની મંજૂરી આપવા સરકારને રજૂઆત કરાઈ હતી.