Site icon Revoi.in

પાટીદાર યુવાનો સામે નોંધાયેલા કેસો 6 ઠ્ઠી માર્ચ સુધીમાં પાછા નહીં ખેંચાય તો પાસ આંદોલન કરશે

Social Share

રાજકોટ : રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસન દરમિયાન રાજ્યમાં પાટિદાર અનામત આંદોલન શરૂ થયું હતું. પોલીસ અને પાટિદાર વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. અને પાટિદાર નેતાઓ અને યુવાનો પર કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે સર્વર્ણોને 10 ટકા અનામત આપીને સમાધાન કરી લીધું હતું. તે સમયે સરકારે પાટિદાર યુવાનો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાનું વચન આપ્યું હતું. પણ હજુ ઘણાબધા યુવાનો સામેના કેસ પાછા ખેંચાયા નથી. આથી જે પાટિદાર વિદ્યાર્થી યુવાનોને નોકરીમાં કે વિદેશ જવામાં સામે કેસ ઊભો હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે પાટિદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ સરકારને ચિમકી આપી છે.કે, જો આગામી તા. 6ઠ્ઠી માર્ચ સુધીમાં પાટિદાર યુવાનો સામેના કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો આંદોલન કરાશે.

ગુજરાતમાં ચૂંટણીની સીઝન આવી રહી છે. જેના પગલે તમામ પક્ષો પણ તૈયારીઓ આરંભી દીધી છે. તો બીજી તરફ વિવિધ સમાજ દ્વારા પણ પોતાની વિવિધ માંગણીઓ સાથે હવે વિવિધ પક્ષો અને સરકાર પાસે માંગણીઓ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે દબદબો ધરાવતો સમાજ પાટીદાર સમાજ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. પોતાના યુવાનો સામે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટેની માંગણી કરી રહ્યા છે. આ અંગે હવે વિવિધ પાટીદાર આંદોલનોએ પણ ખોંખારા ખાવાનું શરૂ કર્યું છે.

રાજકોટ જિલ્લાના ખોડલધામ, કાગવડ ખાતે પાસના આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ધાર્મિક માલવીયા સહિતના આગેવાનો પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે પાટીદાર યુવાનો વિરુદ્ધના કેસો પરત નહી ખેંચવામાં આવે તો 6 માર્ચથી ફરી એકવાર પાટીદારો રણભેરી ફૂંકશે. આ વાતને સમર્થન કરતા દિનેશ બાંભણીયાએ સરકારને ચિમકી પણ ઉચ્ચારી હતી.

આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામ અને નિખીલ સવાણીએ ખોડલધામના ચેરમેન સાથે મુલાકાત યોજાઇ હતી. આ નેતાઓ વચ્ચે પણ એક કલાક સુધી બંધબારણે બેઠક ચાલી હતી. આ ઉપરાંત પ્રવિણ રામે કહ્યું કે, નરેશ પટેલ જો અમારી પાર્ટીમાં જોડાય તો અમારા માટે ગર્વની બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ પણ અગાઉ પણ  રાજકારણમાં ઉતરવા અંગેની વાત કરી ચુક્યા છે. ગુજરાતને પાટીદાર મુખ્યમંત્રી મળે તેવી પણ તેઓ માંગ કરી ચુક્યાં છે. (file photo)