Site icon Revoi.in

પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતો સિંચાઈ કચેરીને તાળાંબંધી કરશે

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા રવિ પાક સુકાઈ રહ્યો છે. આથી  200 જેટલાં ખેડૂતો પાલનપુરમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અને જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો કચેરીએ ધરણાં કરી તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહિ મળે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. પાણી વિના રવિપાક મુરઝાઈ રહ્યો છે. રજુઆત કરવા છતાંયે કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી.

પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાંથી દાંતીવાડા સિંચાઈ વિભાગની 3 એલ માઇનોર કેનાલ પસાર થાય છે. જેમાં 1000 જેટલા હેક્ટરમાં ખેડૂતો કેનાલના પાણીથી વાવેતર કરે છે. જોકે બિપોરજોય વાવાઝોડા દરમિયાન કેનાલનું નાળું તૂટી જતા આશરે 34 લાખના ખર્ચે તેને નવીન બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ નાળું તૈયાર થતા તેમાં પંદર દિવસ અગાઉ પાણી છોડવામાં આવ્યું હતું. જોકે પાણી છોડવાની સાથે જ આ નાળુ ક્ષતિગ્રસ્ત થતાં લાખો લીટર પાણી વહી ગયું હતું. તે સમયે ખેડૂતોને એક સપ્તાહમાં નાળાનું સમારકામ કરી પાણી છોડવા માટેની અધિકારીઓએ ખાતરી આપી હતી. જોકે પંદર દિવસ જેટલો સમય વિતવા છતાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા સોમવારે ગઢ, મડાણા, સલ્લા સહિતના ગામોના 200 જેટલાં ખેડૂતો કેનાલ કચેરીમાં આવી પહોંચ્યા હતા અને ગઢ સિંચાઈ વિભાગના અધિકારીને પાણી છોડવા માટેની માંગ કરી હતી.

આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ગુરુવાર સુધીમાં પાણી છોડવા માટેની ખાતરી આપી હતી. ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ અધિકારીની પાણી છોડવા માટે આપેલી ખાતરીને લોલીપોપ ગણાવી હતી અને ગુરૂવાર સુધીમાં કેનાલમાં પાણી નહીં છૂટે તો ગઢ વિસ્તારના આઠ ગામના ખેડૂતો સિંચાઈ કચેરીમાં આવી સિંચાઈ કચેરીને તાળાબંધી કરી અને ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કેનાલના નાળાની જ્યારે કામગીરી ચાલતી હતી ત્યારે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની  લેખિતમાં રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રી સુધી પણ આ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીથી હાલમાં 1000 જેટલા હેક્ટરમાં થયેલા વાવેતરમાં ખેડૂતો પાણી વગર રહ્યા છે.