Site icon Revoi.in

આગામી ટર્મમાં મોદી સરકાર રિપીટ થાય, તો વસ્તી નિયંત્રણનો કાયદો ટોચની પ્રાથમિકતા હશે? બજેટીય ભાષણમાં સંકેત

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વચગાળાના બજેટમાં વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જના આકલન માટે એક કમિટીની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કમિટી પાસે ઉચ્ચાધિકાર હશે. કમિટી સરકારને આ સ્થિતિનો સામનો કરવા માટે પોતાની ભલામણો આપશે.

વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જથી પેદા થનારા પડકારો માટે ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિની રચના કરશે. તેમણે કહ્યું છે કે સામાજીક પરિવર્તનોને ધ્યાનમાં રાખતા સરકાર આ પ્રસ્તાવ કરી રહી છે. તેમણે કહ્યુ કે આવા પડકારોનો સામનો કરવા માટે આ સમિતિ પોતાની ભલામણ આપશે.

મહત્વપૂર્ણ છે કે ભારતની વસ્તી હાલ 140 કરોડથી વધુ છે અને વસ્તીની દ્રષ્ટિએ ચીનને પછાડીને ભારત પહેલા સ્થાને પહોંચી ચુક્યું છે. વસ્તીવધારો ભારત માટે આગામી સમયમાં એક મોટી મુશ્કેલી બનવાની  શક્યતા છે. તેને જોતા કેન્દ્ર સરકારે સમિતિની રચના કરી છે.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ડેમોગ્રાફિક ચેન્જ એટલે કે વસ્તી અસંતુલનનો પણ ઉલ્લેખ કર્યો છે. માનવામાં આવે છે કે સરકારે આના દ્વારા બે મહત્વની બાબતો પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તાજેતરના દિવસોમાં વધતી વસ્તી પર રોકની વાત જોરશોરથી ઉઠતી રહી છે. સત્તાપક્ષની સાથે વિપક્ષ પણ તેના માટે સૂરમાં સૂર મિલાવી રહ્યા છે.

બની શકે કે લોકસભાની ચૂંટણી બાદ મોદી સરકારના રિપીટ થવાની સ્થિતિમાં વસ્તી નિયંત્રણનો કાયદો તેની મોટી પ્રાથમિકતા બને અને ડેમોગ્રાફિક ચેન્જને લઈને સરકાર આકરા પગલા પણ ઉઠાવી શકે છે.