અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2026: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને રહેણાંક સોસાયટીની ઓફિસમાં ચાલતા ગેરકાયદે કોલસેન્ટર અને ડ્રગ્સ નેટવર્કને ઝડપી પાડ્યું છે. સેટેલાઈટ પોલીસે પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલી શુભદર્શન સોસાયટીમાં રેડ પાડીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ કોલસેન્ટરની સાથે સાથે ત્યાંથી જ હાઈબ્રીડ ગાંજાનું વેચાણ પણ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી કૃણાલ ઉર્ફે સાહિલ દેસાઈ આ જ સોસાયટીમાં રહેતો હતો. તેણે કોઈને શંકા ન જાય તે માટે સોસાયટીની જ કોમન ઓફિસમાં આ ગેરકાયદે કોલસેન્ટર શરૂ કર્યું હતું. આરોપીઓ અમેરિકાના કેલિફોર્નિયાના નાગરિકોને લોન આપવાના બહાને ફોન કરી ‘પે ડે પ્રોસેસ’ દ્વારા નાણાં પડાવતા હતા. પોલીસને સ્થળ પરથી લેપટોપ, અમેરિકન નાગરિકોનો ડેટા અને અંગ્રેજીમાં લખેલી સ્ક્રિપ્ટ મળી આવી છે.
આરોપીઓ માત્ર કોલસેન્ટર જ નહીં, પણ છેલ્લા દોઢ વર્ષથી હાઈબ્રીડ ગાંજાના વેચાણનું નેટવર્ક પણ ચલાવતા હતા. પોલીસે રેડ દરમિયાન 26.840 ગ્રામ હાઈબ્રીડ ગાંજો (કિંમત રૂ. 4.43 લાખ) કબજે કર્યો છે. આરોપીઓ મોડી રાત્રે સોસાયટીના લોકો સૂઈ જાય ત્યારે ઓફિસમાં બેસીને ગાંજાની ડિલિવરીનું સંચાલન કરતા હતા. પોલીસને ડ્રગ્સ વેચાણના રૂ. 28 હજાર રોકડા પણ મળી આવ્યા છે.
પોલીસે કૃણાલ ઉર્ફે સાહિલ દેસાઈ, દીપ જાદવ (રહે, શેલા), હર્ષિલ દાવડા અને કૃણાલ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આ ઓપરેશન દરમિયાન કુલ રૂ. 12.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં હાઈબ્રીડ ગાંજો, લેપટોપ, ડિલિવરી માટે વપરાતા વાહનો અને કોલસેન્ટરના સાધનોનો સમાવેશ થાય છે. આરોપીઓ ગત 18મી તારીખથી આ ઓફિસમાં સક્રિય થયા હતા અને રાત્રિના સમયે છેતરપિંડીનો ખેલ ખેલતા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 5.5 લાખ કિશોરીઓને અપાશે સર્વાઈકલ કેન્સર વિરોધી રસી

