Site icon Revoi.in

કબ્રસ્તાનના બહાને ગેરકાયદે બાંધકામ મંજૂર નથીઃ દિલ્હી હાઈકોર્ટ

Social Share

નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025 : દિલ્હી હાઈકોર્ટે યમુના નદીના પૂર પ્રભાવિત વિસ્તાર (Flood Zone) માં થઈ રહેલા અતિક્રમણ સામે લાલ આંખ કરી છે. એક મહત્વના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કબ્રસ્તાન કે અન્ય કોઈ પણ બહાને પૂર ક્ષેત્રમાં ઘર કે શેડ બનાવવાની પરવાનગી આપી શકાય નહીં. જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચે ‘નૌ ગજા પીર દરગાહ’ પાસે થઈ રહેલા નવા બાંધકામ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે.

કોર્ટે કડક વલણ અપનાવતા આદેશ આપ્યો છે કે, દરગાહની આસપાસની જમીન પર રહેતા તમામ લોકોએ 10 જાન્યુઆરી સુધીમાં પોતાનો સામાન હટાવી લેવો પડશે. દરગાહના સંચાલક સહિત કોઈ પણ વ્યક્તિને આ જમીન પર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોર્ટે નોંધ્યું હતું કે, ત્યાં રજૂ કરવામાં આવેલી તસવીરો અત્યંત ચિંતાજનક છે, જેમાં મોટા વૃક્ષો ઉખેડીને ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું દેખાય છે.

હાઈકોર્ટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) અને લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (L&DO) ને નિર્દેશો કર્યો છે કે, એક અઠવાડિયાની અંદર કબ્રસ્તાન વિસ્તારની આસપાસ ફેન્સિંગ લગાવવી જેથી નવું અતિક્રમણ અટકાવી શકાય. જમીનની વર્તમાન સ્થિતિ અંગે બંને વિભાગોએ સંયુક્ત સોગંદનામું અને ફેન્સિંગ પછીની તસવીરો આગામી સુનાવણી સુધીમાં રજૂ કરવાની રહેશે. જો કોઈ મૃતદેહને દફનાવવાનું હોય, તો તે માત્ર ફેન્સિંગ કરેલા વિસ્તારની અંદર જ કરી શકાશે, અને દફનવિધિ બાદ કોઈને પણ ત્યાં રોકવાની મંજૂરી મળશે નહીં.

કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે પૂર ક્ષેત્રમાં 100 થી વધુ પરિવારો રહેતા હોવાની માહિતી ગંભીર છે. નદીના તટ પર આ પ્રકારે વસવાટ પર્યાવરણ અને સુરક્ષા બંને માટે જોખમી છે. આ કેસની આગામી સુનાવણી 27 જાન્યુઆરીએ નિયત કરવામાં આવી છે, ત્યાં સુધી આ વચગાળાની વ્યવસ્થા અમલમાં રહેશે.

આ પણ વાંચોઃ અયોધ્યાઃ રામ મંદિરની બીજી વર્ષગાંઠ નિમિતે અમિત શાહ સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

Exit mobile version