Site icon Revoi.in

IMA દ્વારા પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર, યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ વિશે કરી વાત

Social Share

દિલ્હી: યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. યુદ્ધને કારણે સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તેવામાં કોલેજ ખુલવાનું નક્કી નથી. ભારતમાં મેડિકલ સાથે જોડાયેલી સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી તેમના હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી છે.

મેડિકલ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે નિયમોમાં ઢીલ આપી પરત આવી રહેલાં મેડિકલ વિદ્યાર્થીઓનું એડમિશન ભારતની મેડિકલ કોલેજોમાં કરાવવામાં આવે. તેમાં પ્રાથમિકતા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને આપી શકાય છે.

મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થા માને છે કે પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં પ્રવેશ આપી શકાય છે. સરકારે એવો પણ સંકેત આપ્યો છે કે વિદ્યાર્થીઓ ભારતમાં જ તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી શકે છે. ગુરુવારે પીએમ મોદીએ વારાણસીમાં પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન ભારતની મેડિકલ કોલેજોમાં સીટો વધારવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે 14 માર્ચથી શરૂ થનારા સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં પણ આ મુદ્દો ઉઠવાની સંભાવના છે. ઓડિસાના કંધમાલથી બીજેડી સાંસદ ડો. અચ્યુત સામંતાએ કહ્યુ કે, સરકારે રાષ્ટ્રીય મેડિકલ પંચ કાયદામાં ફેરફાર કરવો જોઈએ. તેમનું કહેવું છે કે કાયદામાં ફેરફાર કરી દેશની 605 મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાય છે.
યુક્રેનમાં રશિયાના હુમલાનો આજે દસમો દિવસ છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને સતત સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ ચુકી છે. તો કેટલાક વિદ્યાર્થીઓ હજુ સુમી અને ખારકીવમાં ફસાયેલા છે.

Exit mobile version