Site icon Revoi.in

ગુજરાતમાં નવા કાયદોનો આજથી અમલઃ ધર્મપરિવર્તનના ઈરાદે કરેલા લગ્નમાં 5 વર્ષ સુધીની સજા

Social Share

અમદાવાદઃગુજરાત વિધાનસભામાં પસાર કરેલા લવ-જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદાનો આજથી ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે. અંદાજે બે મહિના પહેલાં ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજૂ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપ્યા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજથી રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય ધારા અધિનિયમ-2021નો અમલ શરૂ કરાવ્યો છે.

ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઇ છે. આવા લવ-જેહાદના કિસ્સામાં નવી કલમ 3-ક દાખલ કરવામાં આવવાની છે, જેને લઇને વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેનાં માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકૂમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતાંની સાથે જ એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.  લવ-જેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે.

આ માટેની તપાસ નાયબ પોલીસ અધીક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં, એવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે. નવી કલમ-4થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મપરિવર્તન એકમાત્ર હેતુના સંબંધમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. ગેરકાયદે ધર્મપરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય એવા કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો બનશે.