Site icon Revoi.in

સુરતમાં આગના બનાવોમાં ફાયરના કર્મચારીઓની સલામતીને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આગના બનાવોમાં વધારો થયો છે. કેટલીકવાર આગ બુઝાવવાની કામગીરીમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ દાઝતા હોવાનું બને છે. દરમિયાન ભીષણ આગમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થતા હોય છે. દરમિયાન સુરતે ભીષણ આગમાં કોઈ કર્મચારીને નુકસાન ના થાય તે માટે રોબોટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. લગભગ 1.42 કરોડની કિંમતમાં આ રોબોટની ખરીદી કરવામાં આવશે. મનપાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સિટીમાં કતારગામ, પાંડેસરા, વેડરોડ સહિત અનેક ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારો આવેલા છે. આવા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં ઘણી વખત ભીષણ આગની ઘટનાઓ બને છે. આગ ઉપર કાબૂ મેળવવામાં પાલિકાના ફાયર વિભાગે કલાકોની જહેમત ઉઠાવવી પડે છે. ફાયરના લાશ્કરોને જીવ પણ જોખમમાં મુકાય છે. ભીષણ આગની સ્થિતિ ઉપર ઝડપથી કાબૂ મેળવવા માટે પાલિકાએ ટેકનોલોજીનો સહારો લેવાનું નક્કી કર્યું છે. સુરત ફાયરબ્રિગેડમાં ફાયર ફાઇટિંગ રોબોટ ખરીદવા ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું હતું.

અદ્યતન ટેકનોલોજીથી સજ્જ રોબોટ માટે રેસ્ક્યુ ટેકનોલોજી (અમદાવાદ) દ્વારા સૌથી નીચા ભાવની ઓફર પાલિકાને કરવામાં આવી હતી. આ એજન્સી પાસેથી રૂપિયા 1.42 કરોડના ખર્ચે રોબોટ ખરીદવા સ્થાયી સમિતિની બેઠકનાં એજન્ડા ઉપર દરખાસ્ત રજૂ થઇ હતી. રોબોટિક કામગીરીથી ફાયરના લાશ્કરોને જોખમ ઘટશે. જે સ્થળે આગ લાગી છે તે સ્થળે અંદરની સ્થિતિ શું છે? કયા ભાગમાં હજી આગ ભીષણ છે અને કયા ભાગમાં સ્થિતિ કાબૂમાં છે તે સ્ક્રીન ઉપર જ જાણી શકાશે. આથી આગ ઉપર કાબૂ મેળવવા થતી રેસ્ક્યૂ કામગીરી વધુ સરળ બનશે.