Site icon Revoi.in

માર્ગ અકસ્માત ઘટાડવા લેવાયો મહત્વનો નિર્ણય, ટુ-વ્હીલરમાં એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરાઈ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કેન્દ્ર સરકારે દ્વિ-ચક્રી વાહનો માટે બે મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જૂન 2026 થી, 125 સીસી (125સીસી) થી ઓછી એન્જિન ક્ષમતાવાળા સ્કૂટર અને બાઇકમાં પણ કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (સીબીએસ) ની જગ્યાએ એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) લગાવવાનું ફરજિયાત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રાલયના એક અભ્યાસ મુજબ, 2023માં થયેલા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓમાં 45 ટકા દ્વિ-ચક્રી વાહનચાલકો હતા, જેના કારણે આ સુરક્ષા સુવિધાને વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય લેવાયો છે.

એબીએસ (એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ) એક સુરક્ષા સુવિધા છે જે અચાનક બ્રેક લગાવવા પર વાહનના પૈડાંને લૉક થતા અટકાવે છે. એબીએસ ને કારણે બાઇક પર નિયંત્રણ જળવાઈ રહે છે, તેમજ સ્લિપ થવાની શક્યતા ઓછી થાય છે અને અકસ્માતોથી બચવામાં મદદ મળે છે, ખાસ કરીને ભીના અથવા લપસણા રસ્તાઓ પર. હાલમાં 125સીસી થી ઉપરની દરેક નવી બાઇકમાં ઓછામાં ઓછી સિંગલ ચેનલ એબીએસ ફરજિયાત છે. પરંતુ હવે નવા નિર્દેશો હેઠળ 125સીસી થી ઓછી ક્ષમતાવાળા વાહનોમાં પણ ABS સિસ્ટમ અનિવાર્ય કરાઈ છે.

કેન્દ્ર સરકારે બીજો મહત્ત્વનો નિર્દેશ આપ્યો છે કે જૂન 2026 થી જ્યારે પણ કોઈ વ્યક્તિ નવું દ્વિ-ચક્રીય વાહન (બાઇક/સ્કૂટર) ખરીદશે, ત્યારે તેને તે જ સમયે આઈએસઆઈ માર્કવાળા 2 હેલ્મેટ ફરજિયાતપણે ખરીદવા પડશે. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 129 હેઠળ ભારતમાં દ્વિ-ચક્રીય વાહનો પર બે હેલ્મેટ (ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ માટે) પહેરવા ફરજિયાત છે, જોકે ઘણા રાજ્યોમાં આ નિયમનો કડકાઈથી અમલ થતો નથી. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે બંને સવારોની સુરક્ષા સુનિશ્ચિત થાય, અને દેશમાં સુરક્ષા ધોરણોનું પાલન થાય.

આ બંને પગલાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી શકે છે અને દ્વિ-ચક્રીય વાહન અકસ્માતોમાં થતા મૃત્યુદરને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

Exit mobile version