Site icon Revoi.in

ભારતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ભૂમિકાઃ પરષોત્તમ રૂપાલા

Social Share

મુંબઈઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયાથી સાગર પરિક્રમા કાર્યક્રમના પાંચમા તબક્કાનું નેતૃત્વ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મહારાષ્ટ્રના રાયગઢ ખાતે કારંજા જેટી ખાતે હિતધારકોને સંબોધન કર્યું હતું. ભારતીય અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગની નોંધપાત્ર ભૂમિકા હોવાનું પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. કરંજા જેટી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કર્યું હતું. તેમના આગમન પર સ્થાનિક સમુદાય દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દર્શાવે છે કે વર્તમાન સરકાર માછીમાર સમુદાયના કલ્યાણમાં કેટલો ઊંડો રસ ધરાવે છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે કેવી રીતે કાર્યક્રમ માટેના બજેટમાં 20,000 કરોડનો નોંધપાત્ર વધારો થયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે સમયાંતરે વધારાની જોગવાઈઓ કરવામાં આવી છે.

મંત્રી  પછીથી રત્નાગીરી જિલ્લાના દાભોલ ખાતેની આરજીપીપીએલ જેટી પર જશે. ભારતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે અને લાખો માછીમાર લોકોને આજીવિકા પૂરી પાડે છે. ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું માછલીનું ઉત્પાદન કરતું અને બીજું સૌથી મોટું જળચર ઉત્પાદક રાષ્ટ્ર છે. ભારતમાં વાદળી ક્રાંતિએ માછીમારોનું મહત્વ દર્શાવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકોના જીવનની ગુણવત્તા અને આર્થિક સુખાકારીમાં સુધારો કરવા અને આજીવિકાની વધુ તકો ઊભી કરવા માટે, ભારત સરકાર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવામાં આવ્યો છે.