Site icon Revoi.in

સંસદીય સમિતિનું ટ્વિટરની પોલીસીને લઈને મહત્વનું નિવેદન

Social Share

નવી દિલ્લી: દેશમાં ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજીના નવા કાયદા પર હાલ કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. આ માટે હાલ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર વચ્ચે સારી એવી ખેંચતાણ પણ ચાલી રહી છે. આ બાબતે સંસદીય સમિતિએ ટ્વિટરને લઈને મહત્વનું નિવેદન પણ આપ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશનો કાયદો સૌથી ઉપર છે, તમારી પોલિસી નહીં.

સમિતિ સમક્ષ હાજર થતાં સંસદીય સમિતિએ સવાલ કર્યો હતો કે, દેશના કાયદાનો ભંગ કરવા બદલ તેમને શા માટે દંડ ફટકારવામાં ન આવે?

સરકારના આ જવાબમાં ટ્વિટર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે ટ્વિટર પોતાની નીતિઓને અનુસરીને કામ કરે છે.

ટ્વિટરના અધિકારીઓ દ્વારા આ પ્રકારનો જવાબ સાંભળતા સંસદીય સમિતિ દ્વારા ટ્વિટરને જણાવવામાં આવ્યું કે દેશના નિયમ-કાયદા સૌથી ઉપર છે અને આ તમારી પોલિસી નથી. કોંગ્રેસી સાંસદ શશિ થરૂરના અધ્યક્ષપદે શુક્રવારે ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી પરની સંસદીય સમિતિની બેઠક મળી હતી, જેમાં નાગરિકોના અધિકારોના રક્ષણ અને પ્લેટફોર્મના દુરુપયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

મહત્વનું છે કે સંસદીય સમિતિ દ્વારા ગત સપ્તાહે ટ્વિટરના દૂરઉપયોગ અને નાગરિકોના અધિકારોના રક્ષણને લઈને ટ્વિટરને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ બેઠક થઈ તેમાં આઈટી મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સરકાર દ્વારા ટ્વિટરને તે વાતની પણ જાણ કરવામાં આવી છે કે ટ્વિટર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો આઈટી કાયદા હેઠળ તેને અપાયેલી મુક્તિ પાછી ખેંચી લેવાશે. આ મહિનાના પ્રારંભમાં કેન્દ્ર સરકારે ટ્વીટરને નવા આઈટી નિયમોનું તાત્કાલિક પાલન કરવા માટે અંતિમ તક આપતા નોટિસ પાઠવી હતી.

 

ટ્વીટર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, સમિતિ સામે અમારી વાત રજૂ કરવાની અમને તક મળી તેની અમે પ્રશંસા કરીએ છીએ. અમે ભારત સરકાર સાથે કામ કરતા રહીશું. અમે અહીં નાગરિકોને સલામતી આપવા અને પારદર્શિતા જાળવી રાખવા તથા ઓનલાઈન પ્લેટફોર્મ આધારિત અભિવ્યક્તિની આઝાદી અંગે બનાવાયેલા જરૂરી નિયમોનું પાલન કરવા માટે કટિબદ્ધ છે.

 

……..