Site icon Revoi.in

કંડલા બંદર ઉપરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પંજાબમાંથી આયાતકારની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાતના કંડલા બંદર ઉપરથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. 1439 કરોડના ડ્રગ્સ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની તપાસ કરતા ઉત્તરાખંડના એક આયાતકારની સંડોવણી સામે આવી હતી. જો કે, બીજી તરફ પોતાની ધરપકડથી બચવા માટે આયાતકાર ફરાર થઈ ગયો હતો. પરંતુ તપાસ દરમિયાન તેને પંજાબમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ડીઆરઆઈએ તેના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ATSના અધિકારીઓ સાથે મળીને બાતમી મળ્યા બાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ દ્વારા એક કન્સાઈનમેન્ટની તપાસ કરવામાં આવી હતી. કંડલા પોર્ટ પર ઉત્તરાખંડની એક પેઢી દ્વારા તેની આયાત કરવામાં આવી હતી. આ માલ ઇરાનના બંદર અબ્બાસ ડોકયાર્ડથી કંડલા બંદરે પહોંચ્યો હતો. કન્સાઇનમેન્ટમાં કુલ 394 મેટ્રિક ટન વજન સાથે 17 કન્ટેનર (10,318 બેગ)નો સમાવેશ થાય છે. તે “જીપ્સમ પાવડર” તરીકે આયાત કરવામાં આવ્યો હતો. ત્યાર સુધીમાં 205.6 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની ગેરકાયદેસર બજાર કિંમત 1439 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ કન્સાઈનમેન્ટની ઊંડી તપાસ હજુ બંદર પર ચાલી રહી છે. તપાસ દરમિયાન આયાતકાર ઉત્તરાખંડના રજિસ્ટર્ડ સરનામે મળી આવ્યો ન હતો. તેથી, તેને પકડવા માટે દેશભરમાં તેની શોધ ચાલી રહી હતી. ડીઆરઆઈએ આયાતકારને શોધવા માટે દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આયાતકાર સતત તેનું લોકેશન બદલતો હતો અને પોતાની ઓળખ છુપાવતો હતો. જો કે, સતત પ્રયત્નોથી પરિણામ આવ્યું અને જાણવા મળ્યું કે આયાતકાર પંજાબના એક નાના ગામમાં છુપાયેલો છે.

આયાતકારે પ્રતિકાર કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ DRI અધિકારીઓ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો. અત્યાર સુધીની તપાસના આધારે, DRI એ NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ ઉક્ત આયાતકારની ધરપકડ કરી છે અને તેને 24મી એપ્રિલ, 2022ના રોજ  મેજિસ્ટ્રેટ, અમૃતસર સમક્ષ રજૂ કર્યો છે. કોર્ટે આયાતકારના ટ્રાન્ઝિટ રિમાન્ડ DRIને મંજૂર કર્યા હતા.