Site icon Revoi.in

ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો, ઈન્ટરનેટ સ્પીડમાં વધારો

Social Share

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટના મામલે ભારતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન ઈન્ટરનેટ મામલે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈન્ટરનેટ સ્પીડ રેન્કિંગમાં ભારત હવે 56માં સ્થાને પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં મોબાઈલ પર ઈન્ટરનેટની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 36.78mbpsથી વધીને 39.94mbps થઈ ગઈ છે. Ookla સમયાંતરે દુનિયાભરમાં મોબાઈલ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડની ઈન્ટરનેટ સ્પીડના રેન્કિંગને લઈને રિપોર્ટ્સ જાહેર કરતું રહે છે. મે મહિનામાં ભારતની ઇન્ટરનેટ રેન્કિંગમાં 3 સ્થાનનો સુધારો થયો છે.

મોબાઈલ ઈન્ટરનેટમાં ભારતની સ્પીડ ચોક્કસપણે વધી છે, પરંતુ ફિક્સ્ડ બ્રોડબેન્ડની એવરેજ સ્પીડમાં ભારત હવે 84મા ક્રમે છે. મે મહિનામાં ફિક્સ્ડ એવરેજ ડાઉનલોડ સ્પીડમાં ભારતનું પ્રદર્શન 52.53 mbps હતું જ્યારે એપ્રિલમાં સરેરાશ સ્પીડ 51.12 mbps હતી. Ookla સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્સના મે રેન્કિંગ અનુસાર, યુનાઈટેડ આરબ અમીરાત મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં સૌથી આગળ છે. મે મહિનામાં ફિક્સ્ડ બ્રોડબેન્ડ ડાઉનલોડ સ્પીડમાં સિંગાપોર ટોચ પર હતું. મોરેશિયસે મે મહિનામાં 11 સ્થાનની છલાંગ લગાવી છે.

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. સ્માર્ટફોનના વપરાશની સાથે ઈન્ટરનેટ સેવાઓનો પણ વ્યાપ વધ્યો છે. વિવિધ મોબાઈલ નેટવર્ક કંપનીઓ વપરાશકારોને ઈન્ટરનેટ સેવાઓને લઈને વિવિધ યોજનાઓ પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં 5જી સેવાનો પણ ઉપયોગ કરી રહ્યાં છે.