Site icon Revoi.in

ગુજરાતમાં 10-12 દિવસમાં IPSની બદલીનો ગંજીપો ચીપાશે, IG, DIGની પણ થશે ટ્રાન્સફર

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં તાજેતરમાં 109 આઇએએસ અધિકારીઓની બદલી કર્યા પછી હવે આઈપીએસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપાશે. જેમાં ડઝન જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી માટેનું લિસ્ટ તૈયાર કરી દેવાયું છે.એક જ જગ્યા  પર સતત 3 વર્ષ કે તેનાથી વધુ સમય માટે ફરજ બજાવતા 12 આઇપીએસની બદલી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ટીમ 30 એપ્રિલ આસપાસ આ બાબતે બેઠક યોજશે. ત્યારબાદ  12 આઇપીએસની બદલીઓ કરાશે.
​​​​​
રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30મી એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમના સ્થાને પણ નવા કમિશનરને નિયુક્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ત્રણ વર્ષ કે તેનાથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવનારા 12 આઇપીએસમાં સુરતના કમિશનર અજય તોમરનો પણ સમાવેશ થાય છે. જોકે તેઓ 10 મહિના પછી નિવૃત્ત થઇ રહ્યા છે એટલે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ કમિશનર તરીકે મૂકશે કે કેમ તે પ્રશ્ન છે. આ ઉપરાંત આઇપીએસ બ્રિજેશકુમાર ઝા, કે. એલ. એન. રાવ, હસમુખ પટેલ, ડો. નિરજા ગોત્રુ રાવ, નરસિમ્હા તોમર, અભય ચુડાસમા, સુભાષ ત્રિવેદી, અશોક યાદવ, સંદીપ સિંઘ, પ્રેમવીર સિંઘ, દીપેન ભદ્રનને પણ 3 વર્ષ થઇ રહ્યાં છે. આવા સંજોગોમાં 12 પૈકી કેટલાની બદલી થશે અને કેટલા બદલાશે તે તો આગામી સમયમાં મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રીની મળનારી બેઠક પછી ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે. જો કે એવું કહેવાય છે. કે, આઈપીએસ અધિકારીઓની બદલી માટેની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. આઈજી લેવલના અધિકારીઓની બદલી માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પણ વિશ્વસમાં લઈને કે તેમની અનુમતી બાદ જ નિર્ણય લેવામાં આવતો હોય છે.