Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો થતા 14 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો મુક્ત થયા

Social Share

અમદાવાદ: એપ્રિલ મહિનો કોરોનાનો કપરો કાળ રહ્યો, હવે મે મહિનાના પ્રારંભથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે.ખાસ કરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટવાની સાથે-સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કેસ પ્રતિદિન 6000 જેટલા નોંધાઈ રહ્યા હતા. પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતાં 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે 5 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં 257 વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. અમદાવાદમાં ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યાં છે. ગત 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી 4683 કેસ નોંધાયા હતા જ્યારે 26 લોકોના મોત નિપજ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 978 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 158 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.