Site icon Revoi.in

અમદાવાદમાં એપ્રિલના પ્રથમ નવ દિવસમાં ઝાડા ઊલટીના 205 અને ટાઇફોઇડના 50 કેસ નોંધાયા

Social Share

અમદાવાદઃ  શહેરમાં એપ્રિલના પ્રારંભથી દિવસે દિવસે ગરમી વધી રહી છે. સાથે જ પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનામાં માત્ર 9 દિવસમાં ઝાડા ઊલટીના કેસો 205 નોંધાયા છે. કમળા અને ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે. પાણીજન્ય રોગચાળો વકરતા શહેરના પૂર્વ વિસ્તારના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમા 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા હતા. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સેમ્પલ અનફિટ નોંધાયા છે. આગામી દિવસોમાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.

શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી જણાવ્યું હતું કે 9 એપ્રિલ સુધીમાં ઝાડા-ઊલટીના 205, ટાઇફોઇડના 50 અને કમળાના 54 કેસો નોંધાયા હતા. પાણીજન્ય રોગોમાં પણ વધારો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં ગરમીની સીઝનની શરૂઆત થતાં પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતો હોય છે. આગામી દિવસોમાં ઈદનો તહેવાર અને અન્ય તહેવારો આવે છે. ઉપરાંત ગરમીમાં લોકો બહારનું ફળ ફ્રૂટ શેરડીનો રસ તેમજ શિકંજી પીવે છે. જેના કારણે પણ કમળા અને ઝાડા ઊલટીના કેસો વધવાની શકયતા છે. જે વ્યક્તિને ઝાડા-ઊલટી કે કમળા સહિતના પાણીજન્ય રોગો થાય તેઓએ ગરમ ઉકાળેલું પાણી પીવું જોઈએ. તેમજ નજીકના મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા અપિલ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી 3489 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 77 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે. (file photo)