Site icon Revoi.in

અમદાવાદમાં ધો, 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ ઘટાડો કરવાની કાર્યવાહી હાથ ધરાશે

Social Share

અમદાવાદઃ શહેરની ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં જે તે વર્ગમાં વિદ્યાર્થીઓની અપુરતી હાજરી હોય તેવી શાળાઓમાં વર્ગ ઘટાડવાની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફાર અનુસાર, ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-9થી 12ના પ્રથમ વર્ગ માટે શહેરી વિસ્તારમાં 36 વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે. તેના બદલે સુધારેલી વિદ્યાર્થી સંખ્યા 25 જાળવવાની રહેશે. ગ્રામ્ય વિસ્તાર માટે 24 વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે તેના બદલે 18 વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે. એક કરતા વધુ વર્ગ હોય ત્યાં શહેરી વિસ્તારમાં 60+36ના  બદલે 42+25 અને ગ્રામ્ય વિસ્તાર માટે 60+24ના બદલે 42+18ની વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરીમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયા બાદ હવે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સરાસરી હાજરી જળવાતી ન હોય તેવા વર્ગો બંધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ માટે સંચાલક મંડળે ત્રણ દિવસમાં કચેરી ખાતે વર્ગ ઘટાડા માટેની દરખાસ્ત કરવાની રહેશે. શહેરી વિસ્તારમાં 36ના બદલે 25 વિદ્યાર્થી સંખ્યા જાળવવા માટેનો નિર્ણય વિભાગ દ્વારા તાજેતરમાં લેવામાં આવ્યો હતો.

રાજ્યની ધોરણ-9થી 12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરીમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ ઘટાડો કરવામાં આવે તે માટે સંચાલક મંડળ દ્વારા અનેક રજૂઆત કરાઈ હતી. ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા અગાઉના બે વર્ષ દરમિયાન આ ઘટાડો આપ્યો હોવાથી ચાલુ વર્ષે પણ સરાસરી હાજરીમાં ઘટાડો કરવા માટેની કાર્યવાહી વિભાગે હાથ ધરી હતી. જેમાં તાજેતરમાં જ ધોરણ-9થી 12ની સ્કૂલો માટે વર્ગ ઘટાડા માટે સરાસરી સંખ્યામાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરી વિસ્તાર માટે 25 અને ગ્રામ્ય વિસ્તાર માટે 18 વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન હોય તેવી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ ઘટાડાની કાર્યવાહી કરવાની રહેશે. આમ, શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષ માટે પણ વિદ્યાર્થીઓની સરાસરી હાજરીમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સરાસરી સંખ્યા જળવાતી ન હોય તેવી સ્કૂલોના વર્ગ ઘટાડા માટેની કાર્યવાહી શરૂ કરાયા છે. જેમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ વર્ગ ઘટાડા માટે તમામ સંચાલકોને પત્ર મોકલી દરખાસ્ત કરવા માટે સૂચના આપી છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પત્રમાં જણાવાયું છે કે, ધોરણ-9થી 12ના પ્રથમ વર્ગ માટે શહેરી વિસ્તારમાં 36ના બદલે 25 વિદ્યાર્થી સંખ્યા જાળવવા માટે નિર્ણય લેવાયો છે. ઉપરાંત શહેરી વિસ્તારમાં 60+36ના બદલે  42+25 વિદ્યાર્થી સંખ્યા જાળવવા માટે પણ ઠરાવ થયો છે. જેથી શહેરી વિસ્તારમાં આવેલી શાળાઓ પૈકી જેમાં ધોરણ-9થી 12માં ચાલુ વર્ષે વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી શાળાઓનો વર્ગ ઘટાડો કરવા માટેની દરખાસ્ત કચેરી ખાતે 3 દિવસમાં મોકલવાની રહેશે.