Site icon Revoi.in

અમદાવાદમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકોને બે વર્ષમાં 23.55 કરોડનો દંડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વુલવામાં આવે છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષના સમયગાળામાં હેલ્મેટ નહીં પહેરનાર ટુ-વ્હીલર ચાલકોને પકડીને તેમને રૂ. 23.55 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોને ઈ-મેમો પણ મોકલવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે ટ્રાફિક વિભાગ કામગીરી કરી રહ્યું છે. અમદાવાદ સહિતના શહેરોમાં ટ્રાફિકના નિયમન અને ગુનાખોરીને અટકાવવા માટે ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. અમદાવાદમાં પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને અટકાવીને કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન હેલમેટ નહિ પહેરવા બદલ ટુ-વ્હિલર ચાલકો પાસેથી અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં રૂ. 22.23 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી રૂ. 1.31 કરોડથી વધુનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે, આ ઉપરાંત ખેડા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં હેલમેટ નહિ પહેરવા બદલ ટુ વ્હિલર વાહન ચાલકો પાસેથી રૂ. 20.94 લાખનો દંડ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં માસ્ક લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે. તેમજ સરકાર દ્વારા પણ માસ્કને ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક નહીં પરેનાર પાસેથી દંડ વસુલવામાં આવે છે. અમદાવાદમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી અત્યાર સુધીમાં 20 કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો છે.