Site icon Revoi.in

અમદાવાદમાં સ્કૂલ વાનના ભાડાંમાં રૂ.200 અને રિક્ષા ભાડાંમાં રૂ.100નો વધારો કરાયો

Social Share

અમદાવાદઃ દરેકને મોંઘવારી નડે છે. હવે સ્કુલવાન ચાલકોએ પણ વર્ધીના ભાડા વધારી દીધા છે. સીએનજી ગેસ, પેટ્રોલ, વીમો, સ્પેરપાર્ટ્સ તેમ જ મોંઘવારીને પગલે સ્કૂલ વર્ધી એસોસિએશનને સ્કૂલ વર્ધીનાં વાહનોમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. એસોસિએશને ત્રણ વર્ષ પછી સ્કૂલ વાનનું પાંચ કિમી સુધીનું માસિક ભાડું રૂ. 1800 અને સ્કૂલ રિક્ષાનું ભાડું રૂ.1050 કરાતા વાલીઓ પર આર્થિક બોજ વધશે. સ્કૂલ વાનમાં મિનિમમ ભાડું રૂ. 850 કરાયું છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો આગામી ત્રણ વર્ષ સુધી રહેવાની જાહેરાત કરી છે. નવા ભાડાં મુજબ કિલોમીટર દીઠ સ્કૂલ વાનમાં રૂ. 200 અને સ્કૂલ રિક્ષામાં રૂ.100નો વધારો કરાયો છે

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે ધો.1થી 5ના વર્ગોને ઓફલાઈન શિક્ષણની મંજુરી આપી દીધી છે. એટલે હવે ધો.1થી 12 સુધીની શાળાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે બીજા શૈક્ષણિક સત્રથી સ્કૂલ અને રિક્ષા માટે મહત્તમ ભાડું 550થી વધારી 650 કરવામાં આવશે, જ્યારે સ્કૂલવાનનું ભાડું પ્રતિમાસ 850ની જગ્યાએ 1000 કરવામાં આવશે. છેલ્લે વર્ષ 2018માં સ્કૂલ રિક્ષા અને સ્કૂલવાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, જે ત્રણ વર્ષ બાદ સ્કૂલ વર્ધી એસોસિયેશને ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જો સ્કૂલ એક કિલોમીટરની અંદર હોય તો તેના માટે રિક્ષાનું મહત્તમ ભાડું રૂપિયા 650 લેવામાં આવશે, જ્યારે સ્કૂલવાનનું ભાડું પ્રતિમાસ 1000 લેવામાં આવશે.

સ્કૂલ વર્ધી એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર સીએનજીમાં સબસિડી આપશે તો સ્કૂલ વર્ધીના વાહનોમાં ભાવ ઘટાડવામાં આવશે. બાળકોના હિતમાં સીએનજીમાં સબસિડી આપવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત પણ કરાઈ છે. આ બાબતે સ્કૂલવર્ધી એસોશિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહેતાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે મોંઘવારીના સમયમાં વાહનોના સ્પેરપાર્ટ, વીમો, CNGમાં ભાવ વધારો થવાના કારણે ભાવ વધારાની જાહેરાત કરવી પડી છે.