Site icon Revoi.in

અમદાવાદમાં હવે રોડ સાઈડમાં ખીલે બાંધેલા પશુઓના માલીકો સામે પણ કડક કાર્યવાહી કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ત્યારે શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા હલ કરવા માટે અનેકવિધ આકરા પગલાં લેનારા મ્યુનિ. સત્તાધીશોએ હવે વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર ખીલા-ખૂંટા લગાવી ઢોર બાંધનારા પશુપાલકો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી શરૂ કરી છે. મ્યુનિની આ કાર્યવાહીથી માલધારીઓમાં ફફડાય વ્યાપી ગયો છે.

અમદાવાદ મ્યુનિ. સીએનસીડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટનાં આદેશને પગલે સીએનસીડી ખાતાએ રખડતાં ઢોર પકડવાની કામગીરી સઘન બનાવી છે, તેમાં ભૂલાભાઇ પાર્ક, લાટીબજાર, એસ.ટી.સ્ટેન્ડથી મજૂરગામનો રોડ, ઇન્ડિયા કોલોની, બાપુનગર અને વિરાટનગર સહિતનાં વિસ્તારોમાં કેટલાય પશુપાલક રોડ અને ફૂટપાથ ઉપર ખીલા-ખૂંટા મારીને કે દોરડાથી ઢોર બાંધી રાખી રાહદારીઓ અને વાહનચાલકોને અડચણ ઉભી કરતાં હોવાનું ધ્યાને આવતાં આવા પશુપાલકોને પહેલાં સમજાવાશે અને નહિ માને તો તેમની સામે પોલીસ ફરિયાદ અને દબાણ હટાવવાની વગેરે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ ધુમાં જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનામાં સીએનસીડી ખાતાએ  1984  રખડતાં ઢોર પકડીને ડબે પૂર્યા હતા. તેમાંથી  228 પશુ છોડાવવા આવેલાં પશુપાલકો પાસેથી  14.30  લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સિવાય રોડ ઉપર ઢોર રખડતાં મુકનારા અને ઢોર પકડવાની કામગીરીમાં અડચણો ઉભી કરતાં 152 પશુપાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સીએનસીડી વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, મ્યુનિ.માં ઢોર પૂરવાનાં ડબામાંથી પશુપાલકો તેમને જરૂર હોય તેવા જ ઢોર લઇ જતાં હોય છે. તેના કારણે ડબામાં બિનઉપયોગી બનતાં ઢોરની સંખ્યા વધતી જતી હોઇ આવા ઢોરને રાજ્યની જુદી જુદી પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. તે મુજબ નવેમ્બર મહિનામાં 1476  ઢોરને પાંજરાપોળ મોકલવા પડ્યા હતા, તેની પાછળ મ્યુનિ.ને ખાસ્સો ખર્ચ કરવો પડે છે.