Site icon Revoi.in

બનાસકાંઠા જિલ્લા પચાયતમાં DDOએ DHOના તમામ પાવર લઈ લેતા સર્જાયો વિવાદ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીના તમામ પાવર પરત ખેંચી લેતા વિવાદ વધુ વકર્યો છે. હવે ગાંધીનગરથી દરમિયાનગીરી કરાયા બાદ જ આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. ક્લાસ વન બન્ને અધિકારીઓના વિવાદને જિલ્લા પંચાયતના કર્મચારીઓ મુક પ્રેક્ષક બનીને તમાસો નિહાળી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો, જે દરમિયાન આજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ પાસેથી તમામ સત્તાઓ આંચકી લેતા સરકારી કચેરીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, આરોગ્ય શાખાના કેશિયર પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ કેશિયરનો બચાવ કરતો રિપોર્ટ તેમની જાણ બહાર સરકારમાં રજૂ કર્યો હતો. આ સિવાય આરોગ્ય અધિકારી ઓફિસ ટાઈમ સિવાય વધારાના કામ માટે પણ હાજર રહેતા નથી અને કામગીરી પણ સમયસર પૂર્ણ કરતા નથી અને તેનું ફોલોઅપ પણ ન લેતા હોવાના કારણે આરોગ્ય અધિકારી પાસેથી સત્તા પરત ખેંચી લીધી છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલે જિલ્લા વિકાસ અધિકારીના આક્ષેપોને નકાર્યા હતા અને તેમણે તેમનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની કામગીરી નિયમિત રીતે થાય જ છે, જ્યારે કેશિયરની બાબતે આરોગ્ય કમિશનરે સ્પષ્ટ અભિપ્રાય માગ્યો હતો જે અમે તપાસ કર્યા બાદ રિપોર્ટ આપ્યો હતો. તેમજ તેમની નિવૃત્તિમાં પણ ચાર મહિના જ બાકી છે અને પેન્શન માટેની ફાઈલમાં જિલ્લા વિકાસ અધિકારી સહી કરતા નથી. જિલ્લા વિકાસ અધિકારીના પાવર જ નથી કે તેમને છૂટા કરે અથવા તેમની સત્તાઓ ખેંચી લે, તેના માટે તેમણે સરકારમાંથી આદેશ લાગવો પડે, ડીડીઓ પાસે આવી કોઈ સત્તા નથી.