Site icon Revoi.in

બનાસકાંઠામાં હવે તલાટીઓ ગામડાંઓમાં બેરોજગાર યુવાનોની નોંધણી કરશે, કારોબારી બેઠકમાં ઠરાવ

Social Share

પાલનપુરઃ રાજ્યમાં બેરોજગારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થતો જાય છે. શહેરોમાં જ નહીં ગાંમડાઓમાં પણ બેરોજગારોની સંખ્યા ઘણીબધી છે. પરંતુ ગામડાંના યુવાનો રોજગાર કચેરીએ બેરોજગારીની નોંધ કરવા માટે જઈ શક્તા નથી. બનાસકાંઠા જિલ્લાએ આ અંગે પહેલ કરી છે. હવે તલાટી-મંત્રીઓ ગામડાંમાં બેરોજગાર યુવાનોની નોંધ કરીને તેના ડેટા એપ્લોયમેન્ટ કચેરીને આપશે.  જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં આ અંગે મહત્વનો ઠરાવ કરાયો છે. જેને લઈ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ દસ હજાર ફોર્મ ગ્રામ પંચાયતમાં પહોંચાડ્યા છે. જે ગ્રામ્ય કક્ષાએથી આવેલો ડેટા એપ્લોયમેન્ટ વિભાગમાં સબમીટ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  બનાસકાંઠા જિલ્લા પંચાયતની થોડા દિવસો અગાઉ કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ રોજગાર નોંધણી થઈ શકે તો છેવાડાના ગામોના યુવાનોને રોજગાર નોંધણી અર્થે ઉપસ્થિત થતી અગવડતા નિવારી શકાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા રોજગાર નોંધણીની કામગીરી કરવામાં આવે તે બાબતનું સુચારું આયોજન થઇ શકે તે માટે કારોબારી સમિતિએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)ને આ અંગેની જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

બનાસકાંઠામાં  “જિલ્લા પંચાયત આપના દ્વારે” કાર્યક્રમની શરૂઆતના ભાગરૂપે પ્રથમ તબક્કામાં યુવાનોની ગ્રામ્ય કક્ષાએ નોંધણી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.મહત્વના નિર્ણય અંગેની વિગતો આપતા કારોબારી સમિતિના ચેરમેન રવિરાજ ગઢવીએ જણાવ્યું હતું કે  જિલ્લા પંચાયત દ્વારા આવો નિર્ણય લેવા પાછળનો મહત્વનું કારણ એ હતું કે દાંતા તાલુકાના કે સુઇગામ તાલુકાના અંતરિયાળ ગામથી કોઈ અરજદાર રોજગાર નોંધણી કચેરીમાં આવે અને ઈન્ટરનેટ એક્સેસ ના હોય અથવા સર્વર ડાઉન હોય તેવા કિસ્સામાં તેમજ કોઈક બાબત લાવવાની રહી ગઈ હોય તો ફેરો માથે પડતો હોય છે. આવી સ્થિતિમાં યુવાનોના સમય અને પૈસા બંનેનો બગાડ થાય છે. જે ન થાય એ માટે “જિલ્લા પંચાયત આપના દ્વારે” કાર્યક્રમ હેઠળ ગ્રામ પંચાયતના તલાટી બેરોજગાર યુવાન પાસે એક ફોર્મ ભરાશે અને તેની સાથે જોડવાની વિગતો એકત્રિત કરશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનો સમગ્ર ડેટા જિલ્લા પંચાયત ખાતે લાવવામાં આવશે અને અહીંથી તમામ ડેટા જિલ્લા રોજગાર અધિકારીની કચેરીમાં મોકલવામાં આવશે અને ત્યાં ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવામાં આવશે. કારોબારી સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે જે ઉમેદવારોએ નોંધણી કરાવી છે તેવા ઉમેદવારોનો એક કેમ્પ તાલુકા કક્ષાએ અથવા તો 9-10 ગામોના ક્લસ્ટર મુજબ કરવામાં આવશે. જેમાં જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા બેરોજગાર યુવાનોને અપાશે