Site icon Revoi.in

ભાવનગરમાં માળનાથ ગ્રુપે ઠેરઠેર લટકેલી પતંગની દોરી એકત્રિત કરી નાશ કર્યો

Social Share

ભાવનગર: રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે, ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં ઠેરઠેર દોરીઓ લટકતી જોવા મળે રહી છે જેને કારણે પક્ષીઓ તેમજ માનવ જાતને ઘાતક નીવડે છે, પતંગની ધારદાર દોરીઓના કારણે પક્ષીઓ અને લોકોની જિંદગી જોખમમાં મૂકાય છે. ત્યારે લટકતી દોરીઓના કારણે પક્ષીઓનો જીવ જોખમમાં ન મૂકાય તે માટે ભાવનગરના માળનાથ ગ્રૂપના હરિ શાહ અને તેમની ટીમ દ્વારા જુદાં જુદાં વિસ્તારમાંથી 23 કિલો જેટલી દોરી એકઠી કરી તેનો નાશ કર્યો હતો.

શહેરમાં ઉત્તરાયણ આવતાની સાથે પક્ષીઓ પર મોત તોળાતું હોય છે. ત્યારે માળનાથ ગૃપ દ્વારા દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન જ્યાં-ત્યાં લટકતી પતંગની દોરીઓ એકઠી કરીને પક્ષીઓ ભોગ બનતા અટકે તેવા પ્રયાસો છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. ભાવનગરના હરિ શાહ છેલ્લા 10 વર્ષથી શહેરમાં પતંગની દોરીઓ એકઠી કરીને પક્ષીઓ માટે દૂત બન્યા છે. વૃક્ષ પર, તાર પર કે રસ્તામાં પડેલા દોરીના ગૂંચળા વગેરે એક થેલીમાં અથવા બોક્સમાં ભરે છે.

ગત વર્ષે 30 કિલો દોરી એકઠી કરીને સળગાવી દીધી હતી. ત્યારે આ વર્ષે પણ 23 કિલો જેટલી દોરી એકઠી કરી નાશ કર્યો હતો. હરિએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરી ખૂબ ખતરનાક હોય છે. તેનાથી પક્ષીઓ મોતને ભેટે છે. લોકોમાં જાગૃતિ આવી હોવાથી હવે દોરીઓ ઓછી લટકતી જોવા મળે છે, પરંતુ દર વર્ષે 30થી વધુ પક્ષીઓના મોત થાય છે જે ચિંતાજનક છે. કારણ કે, આપણે ત્યાં શહેરની ભૌગોલિક સ્થિતીના કારણે વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે અને શિયાળામાં આવતી ઉત્તરાયણ પક્ષીઓ માટે ઘાતક બની જાય છે. શહેરના ગંગાજળિયા તળાવ કે જ્યાં સૌથી મોટી વસાહત પેન્ટર્ડ સ્ટોક (ઢોક બગલા)ની છે. બચ્ચાઓ અને પેન્ટર્ડ સ્ટોર્ક બંને પતંગની દોરીનો ભોગ બને છે અને મૃત્યુ પણ પામે છે. આ કાર્યમાં હરિ શાહ, દર્શન ચૌહાણ, કિરીટ રજપૂત તથા મુકેશ વાંકાણી સહિતના ગ્રૂપના સભ્યો કાર્યમાં જોડાયા હતા.

Exit mobile version