Site icon Revoi.in

છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ વધારે ચાર નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

Social Share

બીજાપુર: દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો જપ્ત કર્યાં હતા.

ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ હતા.

અધિકારીએ જણાવ્યું કે જ્યારે ટીમ લેન્દ્રા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે ​​સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

તેમણે જણાવ્યું કે બંને તરફથી થોડીવાર સુધી ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક ઓટોમેટિક લાઇટ મશીન ગન (LMG), ‘બેરલ ગ્રેનેડ લોન્ચર’ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા.

તેમણે કહ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટના સાથે, આ વર્ષે અત્યાર સુધીમાં બીજાપુર જિલ્લા સહિત બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 37 નક્સલવાદીઓ માર્યા ગયા છે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. સુકમા જિલ્લો બસ્તર લોકસભા ક્ષેત્રમાં છે જ્યાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે.