Site icon Revoi.in

દીઓદરમાં ભાજપની નમો પંચાયતમાં સરકારે ગૌશાળાઓને સહાય ન ચુકવાતા વિરોધ કરાયો

Social Share

પાલનપુરઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરોપોળોને 500 કરોડની સહાય આપવાની સરકારે જાહેરાત કર્યાને મહિનાઓ વિત્યા છતાં હજુ સુધી સહાય આપવામાં આવી નથી. બીજીબાજુ સરકારે સહાયની જાહેરાત કર્યા બાદ ગૌશાળાઓને અને પાંજરાપોળોને દાતાઓ તરફથી મળતા દાન પણ બંધ થઈ ગયા છે. આથી પશુઓના નિભાવ માટે મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે બનાસકાંઠામાં વિરોધ ઊભો થયો છે. જિલ્લાના દિયોદરમાં  ભાજપના નમો પંચાયત કાર્યક્રમમાં ગૌશાળાને પાંજરાપોળના સંચાલકો દ્વારા 500 કરોડની સહાયના મામલે  ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો. ભાજપ સરકાર સામે રોષે ભરાયેલા ગૌરક્ષકોએ હંગામો મચાવતા પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. સરકાર તાત્કાલિક સહાય નહીં ચૂકવે તો દિયોદર પંથકમાં એક પણ ભાજપનો કાર્યક્રમ નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

રાજ્ય સરકારે ગૌશાળાઓ અને પાંજરોપોળોને 500 કરોડની સહાય આપવાની સરકારે જાહેરાત કર્યાને છ મહિનાનો સમય વીતવા છતાં પણ હજુ સુધી સહાય ચૂકવાઇ નથી જેના કારણે સમગ્ર ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દિયોદરમાં પણ ભાજપ દ્વારા ‘નમો પંચાયત’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તે સમયે ગૌશાળાઓના સંચાલકો અને ખેડૂતોનું મોટું ટોળું ઘસી આવ્યુ હતું અને સરકાર વિરોધી સૂત્રોચાર કરી ભારે હંગામો મચાવી કાર્યક્રમને અટકાવ્યો હતો. ઘટનાને પગલે દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ખેડૂતોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

આ અંગે ગૌ રક્ષકોએ જણાવ્યું હતું કે ગાય માતા માટે 500 કરોડ રૂપિયાની સરકારે જાહેરાત કરી હતી. પણ આજ સુધી સાત સાત મહિના થયાં પણ સહાય મળી નથી. અત્યારે અમારી ગાય માતા ઘાસચારા વગર તડપી રહી છે. અમારી એક જ માંગણી હતી 500 કરોડ રૂપિયા તાત્કાલિક ચુકવણું કરો.જ્યાં સુધી સહાયની ચૂકવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ભાજપના કાર્યક્રમનો વિરોધ ચાલુ રાખીશું.