Site icon Revoi.in

અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કહેર સાથે ઉષ્ણતામાનમાં પણ વધારો થઈ રહ્યો છે.  છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. બુધવારે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ગરમી વધવાની શક્યતા છે. જ્યારે  શનિવાર અને રવિવાર બે દિવસ પોરબંદર અને ગીર સોમનાથમાં હિટ વેવની સ્થિતિ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો આજે 40 ડિગ્રીને વટાવી ગયો હતો. શહેરમાં સવારથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે. બપોરના સમયે તો ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હજુ આગામી દિવસોમાં અમદાવાદ શહેરનું તાપમાન ઉચકાશે તેવુ હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. બીજી તરફ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ પણ થાય છે. રાત્રે ઠંડો પવન ફુંકાતા લોકો રાહત અનુભવી રહ્યાં છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાક આકરા સાબિત થશે અને ગરમીનુ જોર વધશે અમદાવાદમાં વધી રહેલા તાપમાનને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તેમજ ભાવનગર, રાજકોટ સહિત બનાસકાંઠામાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે સાથે જ જો ઘરની બહાર નીકળવાનું થાય તો પૂરતી તકેદારી રાખવામાં આવે. અમદાવાદમાં ગરમીનો પારો સતત ઉપર જતા કાકંરિયા ઝુમાં વિશેષ વ્યવસ્થા અબોલ પશુ-પક્ષીઓ માટે ઉભી કરવામાં આવી છે. આગ ઓકતી ગરમી સામે પશુ-પક્ષીઓને રક્ષણ મળી રહે તે માટે પ્રાણીસંગ્રહાલય દ્વારા 25 જેટલા કુલર, ગ્રીન નેટ લગાવવાની સાથે પાણીનો છંટકાવ પણ શરૂ કરાયો છે. આ ઉપરાંત વૃક્ષા રોપણની પણ કામગીરી કરવામાં આવી છે તો તાપમાન 45 ડીગ્રી નોંધતો એન્ટી ઈસ્ટ્રેસ દવા આપવાની પણ તૈયારી ઝુ તંત્ર દ્વારા કરવામાં આવી છે.