Site icon Revoi.in

ગાંધીનગરમાં ઘ-0 સર્કલથી રિલાયન્સ ચોકડી સુધી દબાણો હટાવાયાં, અન્ય વિસ્તારોમાં કાર્યવાહી નહીં

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાલ રોડ પરના દબાણો દુર કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં શહેરના ઘ-0થી રિલાયન્સ ચોકડી સુધીના રોડ પરના લારી-ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં લારી-ગલ્લા હટાવવાની કોઈ કાર્યવાહી ન કરાતા મ્યુનિની વહાલાં-દવલાંની નીતિને કારણે વિરોધ ઊભો થયો છે.

ગાંધીનગરમાં ઘ-0 થી રિલાયન્સ સર્કલ તરફનાં રોડ પર લાઈનસર ઉભી રહેતી લારી ગલ્લાનાં દબાણો  દૂર કરવામાં આવ્યા છે. જો કે અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લારી ગલ્લાનાં દબાણો સામે મ્યુનિ.દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતાં અસરગ્રસ્ત લારી ગલ્લા ધારકોમાં રોષ વ્યાપી ગયો છે. આ અંગે  અસરગ્રસ્ત લારી ગલ્લા ધારકોએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે,  તહેવારોના ટાણે જ દબાણ ટીમને ટ્રાફિકની સમસ્યા નજરે આવી રહી છે. રિલાયન્સ સર્કલથી કુડાસણ તરફ જતા રોડ પર તેમજ ભાઈજીપુરા આસપાસના કોમ્પલેક્ષો આગળ પણ અઢળક ગેરકાયદેસર દબાણો ઉપરાંત ડેરા તંબુ તાણી બાંધી દેવામાં આવ્યા છે. સૌથી વિકટ ટ્રાફિકની સ્થિતિ ભાઈજીપુરા આસપાસ રહેતી હોવા છતાં ત્યાં કોઈ કાર્યવાહી કરાતી નથી. કોમર્શિયલ કોમ્પ્લેક્સની પાર્કિંગની જગ્યાઓ ભાડે આપી ખાણીપીણીની હાટડીઓ ખુલી ગઈ છે.

દરમિયાન મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે,શહેરમાં ગેરકાયદેસર લારી ગલ્લાનાં દબાણો સામે વધુ એક વખત કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. શહેરના ઘ-0 થી રિલાયન્સ સર્કલ સુધીના રોડ પર લાઈનસર ઊભી રહેતી ખાણી પીણીના લારી-ગલ્લા ટ્રાફિક સમસ્યા ઉભી કરતા હોવાની  ફરિયાદો ઊઠતા વધુ એક વખત એસ્ટેટ શાખાનાં અધિકારી સહિત 30 લોકોની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અત્રેના રોડ પરથી વારંવાર દબાણો દૂર કરવામાં આવતાં હોવા છતાં એજ સ્થિતિનું નિર્માણ થતું રહેતું હોય છે.