Site icon Revoi.in

જ્ઞાનવાપી મસ્જિદ પ્રકરણમાં કોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, હવે શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અંગે સુનાવણી થશે

Social Share

લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરીની નિયમિત પૂજાના અધિકારના મામલામાં અંજુમન ઇન્તેઝામિયા સમિતિની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ જેજે મુનીરે  રિવિઝન અરજીને ફગાવી દીધી હતી. સિવિલવાદની પોષણીયતા ઉપર અરજદારનો વાંધો નકારવામાં આવ્યો છે. રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી, વારાણસીએ દાવાની જાળવણી સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી કે, કોર્ટ પાસે પૂજાના સ્થળો અધિનિયમ, 1991ની જોગવાઈઓ હેઠળ દાવો સાંભળવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી. કોર્ટે સમિતિની અરજી ફગાવી દીધી હતી. જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

હાઈકોટ્રમાં અરજીને લઈને રજૂઆત કરી હતી કે, પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ નિયમિત પૂજા પર પ્રતિબંધ મૂકે છે કારણ કે પૂજા કરવાથી સ્થળની ધાર્મિક પ્રકૃતિને ખલેલ પહોંચે છે.જે કાયદેસર રીતે થઈ શકે તેમ નથી. તેથી અહીં નિયમિત પૂજા કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. સીવીલ દાવો મર્યાદાના કાયદાના આધારે સમય-પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હતો. પૂજાના અધિકારની માગણી કરતી દિવાની દાવો ચાલાકીપૂર્વક દાખલ કરીને સામે પક્ષના અધિકારોમાં છેડછાડ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. જેના કારણે 1991ના કાયદાનું ઉલ્લંઘન થશે. તેથી જ જિલ્લા કોર્ટમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજા માટે દાખલ કરાયેલ દાવો સુનાવણી યોગ્ય નથી.

મંદિર પક્ષ એ સ્પષ્ટ કરી શક્યું નથી કે પૂજા 1990 માં બંધ કરવામાં આવી હતી કે 1993 માં, જો આ બંને તારીખે નિયમિત પૂજા બંધ કરવામાં આવે તો તે મર્યાદા કાયદા દ્વારા પ્રતિબંધિત છે. સિવિલ દાવા પણ પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ દ્વારા પ્રતિબંધિત છે. કારણ કે, 15 ઓગસ્ટ 1947થી જ્ઞાનવાપી મસ્જિદની એ જ સ્થિતિ અકબંધ રહેવી જોઈએ. સ્થળની ધાર્મિક સ્થિતિ બદલી શકાતી નથી. આ વિવાદ કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ એક્ટ હેઠળ આવતો નથી. આ મસ્જિદ વકફ બોર્ડની મિલકત છે,અને વકફ ટ્રિબ્યુનલને બોર્ડની મિલકતના વિવાદની સુનાવણી કરવાનો અધિકાર છે. સિવિલ કોર્ટને કોઈ અધિકારક્ષેત્ર નથી.

મંદિરની તરફથી રજુઆત કરાઈ હતી કે, 15 ઓગસ્ટ 1947 પહેલાથી જૈનો શ્રૃંગાર ગૌરી, હનુમાન અને કૃતિ વાસેશ્વરની પૂજા કરતા હતા. તેથી, આ કેસમાં 1991નો પૂજા સ્થાન અધિનિયમ લાગુ થશે નહીં. તેઓએ કહ્યું કે, મંદિરમાં મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા બાદ આ જમીનની માલિકી મૂર્તિમાં નિહિત થઈ જાય છે.  હિન્દુ વિધી પ્રમાણે, મંદિરનો નાશ થયા પછી પણ પરોક્ષ મૂર્તિ અસ્તિત્વમાં રહે છે. તેમણે કહ્યું કે ઔરંગઝેબે પોતે ભૂ વિશ્વેશ્વર નાથ મંદિરને તોડી નાખ્યું હતું અને મંદિરની દિવાલને મસ્જિદનો આકાર આપવામાં આવ્યો છે.