Site icon Revoi.in

ગુજરાતમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા સાત દિવસ સુધી નર્મદા કેનાલમાં 17000 ક્યુસેક પાણી છોડાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પરંતુ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. છૂટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાંરૂપી વરસાદ વરસી રહ્યો છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. હવે વરસાદ ખેચાતા સિંચાઈના પાણી માટેની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે સરકારે આગામી સાત દિવસ સુધી પ્રતિદિન 17000 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં ઠાલવીને ખેડુતોને જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણી થઇ નથી, જ્યારે કેટલાક ખેડુતોએ લાખો હોક્ટરમાં વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધુ છે. હવે ખરીફ પાક બળે નહીં તેટલા માટે પાણીની જરૂર પડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં માત્ર 22.81 ટકા વિસ્તારમાં વાવણી થઇ છે. આવા સંજોગોમાં રાજય સરકાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદાની મુખ્ય નહેરોમાં સતત 7 દિવસ સુધી પ્રતિદિન 17 હજાર કયુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણીથી જે વિસ્તારમાં વાવણી નથી થઇ તેવા 11 લાખ હેકટરમાં ખરીફ પાક માટે વાવણી થઇ શકશે, તેમજ જે ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કર્યું છે. તેવા ખેડુતોને પણ જરૂરિયાત મુજબનું પાણી સિંચાઈ માટે અપાશે.

મંત્રી ઋષિકેશ પટેલે એવો દાવો કર્યો હતો કે, ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ યોજના હેઠળના 700થી વધુ તળાવોમાં પાણી નાખવામાં આવશે. ઉપરાંત સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાતના જે તળાવો પાણીની પાઇપલાઇનથી જોડાયેલા છે તેમને પણ ભરવામાં આવશે. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં આવનારા પાણીથી 11 લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી થશે. તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો નર્મદા યોજનાનો મહત્તમ લાભ મેળવીને આ વર્ષે સંતોષકારક પાક મેળવી શકાશે.