Site icon Revoi.in

ગુજરાતમાં દોરી વાગવાના અને ધાબા ઉપરથી પડી જવાના 207 કેસ નોંધાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરયાણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ધાબા ઉપરથી પડી જવાના અને દોરી વાગવાના કેટલાક બનાવો સામે આવ્યાં હતા. રાજ્યમાં એક જ દિવસમાં પતંગ અને દોરીને કારણે બનેલી ઘટનાના લગભગ 207 જેટલા ઈમરજન્સી કેસ નોંધાયાં હતા. મેગાસિટી અમદાવાદમાં 16 બનાવ બન્યાં હોવાનું જાણવા મળે છે. 108 સેવામાં એક જ દિવસમાં 2771 ઈમરજન્સી કોલ આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 13 વ્યક્તિના પતંગની દોરીથી ગળા કપાઈ જવાના અને ત્રણ વ્યક્તિઓ પતંગ ઉડાવતા પડી ગયાના બનાવ બન્યા હતા. ગત વર્ષે ઉત્તરાયણમાં રાજ્યમાં 2304 જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા હતા. અમદાવાદમાં વસ્ત્રાલ ન્યુ RTO રોડ પાસે 45 વર્ષીય ચેતન મોદીનું પતંગની દોરીથી ગળું કપાતા વસ્ત્રાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તે જ રીતે વસ્ત્રાલ રિંગ રોડ પાસે 55 વર્ષીય કનૈયાલાલ પટેલનું પતંગની દોરીથી ગળું કપાયું હતું. તેમને વસ્ત્રાલની સ્પનદાન હોસ્પિટલમાં ખસેડયા હતા. જુહાપુરા આઇસ ફેકટરી રોડ પર પતંગની દોરી આવી જતાં પડી જવાથી 29 વર્ષીય વિશાલ ગોસાઈને સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આ ઉપરાંત ચાંદખેડા વિસ્તારમાં પતંગ રોડ પર પતંગ લૂંટવાના ચક્કરમાં અકસ્માત થતાં 7 વર્ષીય સુભાષ ડામોરને 4 વહીલર સાથે અકસ્માત થતાં માથામાં ઇજા થતાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ઉત્તરાયણના પર્વે 108 દ્વારા રાજ્યમાં 622 જેટલી એમબ્યુલન્સ કાર્યરત રહી હતી. પંચમહાલમાં પતંગની દોરીથી 2 લોકોના મોત નિપજ્યા છે. ભરૂચ, સાણંદમાં દોરી વાગતા યુવકનું મોત થયું છે. રાજકોટમાં દોરીથી ગળું કપાતા યુવકે જીવ ગુમાવ્યો છે. સુરતમાં ધાબેથી પટકાતા બાળકનું દર્દનાક મોત થયું હતું.