Site icon Revoi.in

ગુજરાતમાં ધો. 9 અને 10ની એક વર્ગ ધરાવતી શાળાઓને વધુ એક શિક્ષક ફાળવાવાનો નિર્ણય

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9થી 10ની એક વર્ગ ધરાવતી શાળાઓને વધુ એક શિક્ષક ફાળવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે રાજ્યની 1300 જેટલી શાળાઓના 13000 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ થશે.  હાલ જે શાળામાં ધોરણ 9 અને 10માં એક જ વર્ગ હોય તેમને હવે બે શિક્ષકની જગ્યાએ ત્રણ શિક્ષક મળશે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહેશે અને શિક્ષકો પર કામનું ભારણ પણ ઘટશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી શાળાઓમાં બે વર્ગ હોય ત્યાં બે શિક્ષક અને એક આચાર્ય હોય છે. જેથી વિદ્યાર્થીઓને છ વિષય પૈકી કોઈ એક વિષયમાં અન્યાય થતો હોય છે. ધોરણ 9 અને 10 માં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષય હોય છે. પરંતુ કેટલાક સ્થાન પર આ છ વિષય પૈકી કોઈ એક વિષયના શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓએ નુકસાન ભોગવવાનું વારો આવે છે. હવે શિક્ષણ વિભાગે 2 ની જગ્યાએ 3 શિક્ષકોનું મહેકમ મંજુર કર્યું છે. જેથી જે શાળામાં જે તે વિષયના શિક્ષક ઘટતા હોય તે વિષયના શિક્ષકની ભરતી કરવામાં આવશે. નિર્ણય થકી વિદ્યાર્થીઓ ઉપર શિક્ષકો વ્યક્તિગત રીતે ધ્યાન આપી શકશે. સાથે સાથે શિક્ષણ સિવાયની અન્ય કામગીરીનું ભારણ હોય છે આ સ્થિતિમાં હવે વધારે એક શિક્ષક મળવાથી વિદ્યાર્થીઓને જ સીધો ફાયદો થશે.

રાજ્યના અંતરિયાળ વિસ્તારોની માધ્યમિક શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓને લીધે માત્ર એક જ વર્ગમાં બે શિક્ષકો ફરજ બજાવતા હોય છે. રાજ્યમાં બે શિક્ષક ધરાવતી 1300 જેટલી શાળાઓ છે. હવે આવી શાળાઓમાં વધુ એક શિક્ષક નિમણૂંક કરાશે. એટલે કે ત્રણ શિક્ષકોનું મહેકમને મંજુરી અપાશે. એટલે વિદ્યાર્થીઓને પણ લાભ મળશે.

Exit mobile version