Site icon Revoi.in

ગુજરાતમાં આવતીકાલે 2જી સપ્ટેમ્બરથી ધો. 6થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણ પર પડી હતી. વિદ્યાર્થીઓને નાછૂટકે ઓનલાઈન શિક્ષણ ઘેરબેઠા જ લેવાની ફરજ પડી હતી. હવે છેલ્લા બે-ત્રણ મહિનાથી કારોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે ધો. 9થી12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. હવે સરકારે આવતીકાલ તા. 2જી સપ્ટેમ્બરથી ધો.6થી 8ની શાળાઓને ઓફલાઈન શિક્ષણની મંજુરી આપી છે, એટલે કાલે ગુરૂવારથી ધો.6થી8ની શાળાઓમાં પણ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ જશે.

કોરોનાને કારણે શિક્ષણ પર પણ માઠી અસર પડી છે. સંક્રમણ વધતા સમગ્ર રાજ્યમાં શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી લહેર બાદ કેસ ધીરે-ધીરે ઘટતા તબક્કાવાર ફરીથી શિક્ષણ ઓફલાઈન શરૂ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ત્રીજી લહેરની શંકા છે અને બીજી તરફ સ્કૂલો શરૂ થઇ રહી છે, ત્યારે કેટલાક વાલી બાળકને સ્કૂલે નહિં મોકલે તો કેટલાક કોરોનાના ડર વચ્ચે પણ બાળકને સ્કૂલે મોકલશે.

શિક્ષણ વિભાગ દ્વારા 2 સપ્ટેમ્બરથી 6થી 8ના વર્ગ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ધો. 9થી 12ના વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે ધો.6થી 8ના વર્ગ પણ શરૂ થશે. ધો.9થી 12માં પણ હજુ અનેક વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવીને ઘરેથી ઓનલાઈન ભણી રહ્યા છે, ત્યારે ધો.6થી 8ના વિદ્યાર્થીઓ અંગે વાલીઓને ચિંતા છે જેના કારણે કેટલાક વાલી પોતાના બાળકને સ્કૂલે નહિ મોકલે અને ઓનલાઈન જ અભ્યાસ કરાવશે. ત્યારે કેટલાક વાલી કોરોનાના ડરના વચ્ચે પણ સ્કૂલે મોકલશે.

આ અંગે શાળા સંચાલક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ શાળાઓમાં જેમ ધો.9થી 12ના બાળકો માટે કાળજી રાખવામાં આવે છે, તેવી રીતે જ ધો.6થી 8ના બાળકો માટે કાળજી રાખવામાં આવશે. બાળકોના તાપમાન, સેનિટાઈઝેશન અને માસ્ક સહિતની તમામ બાબતોમાં ધ્યાન રાખવામાં આવશે. રીશેષમાં બાળકો ભેગા ના થાય તે માટે શિક્ષકને સુચના આપવામાં આવશે. ઉપરાંત નાસ્તો અને પાણી ઘરેથી લઈને આવે તે માટે પણ સુચના આપવામાં આવશે. જોકે હાલમાં ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ થઈ રહી છે  વાલીઓ આ ઓફલાઇન શિક્ષણ સાથે સહમત તો થયા છે પરંતુ કોરોનાનો ડર હજુ પણ તેમનામાં યથાવત છે. વાલીઓનું માનવું છે કે, વિદ્યાર્થીઓનો વિકાસ ઓફલાઇન શિક્ષણથી જ થાય છે. ઓનલાઇન માત્ર શિક્ષણનો વિકલ્પ બનીને રહી ગયો છે. જેથી બાળકોને શાળાએ મોકલવા જરૂરી છે. જોકે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની હેલ્થ બાબતે સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે.