Site icon Revoi.in

ગુજરાતમાં બે વર્ષમાં 10 બજાર સમિતિને રૂ. 339 લાખની સહાય ચુકવાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં બે વર્ષના સમયગાળામાં 10 જેટલી બજાર સમિતિઓને રૂ. 339 લાખની સહાય ચુકવવામાં આવી છે. સરકારે પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્ષ 2020માં સાત બજાર સમિતિને સહાય ચુકવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને બજાર સમિતિઓને સહાયને લઈને સવાલ કર્યો હતો. તેના જવાબમાં સહકાર વિભાગના રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 2020માં બોટાદ બજાર સિમિતિને રૂ. 22.62 લાખ, મહિસાગરની સમિતિને રૂ. 13.9 લાખ, સુરેન્દ્રનગરની સમિતિને રૂ. 2.51, વલસાડની સમિતિને રૂ. 50 લાખ, છોટા ઉદેપુરની સમિતિને રૂ. 5.85 લાખ, મોરબીની સમિતિને રૂ. 50 લાખ, ભાવનગરની સમિતિને રૂ. 48.75 લાખની સહાય ચુકવવામાં આવી હતી. આવી જ રીતે 2019માં રાજકોટ બજાર સમિતિને રૂ. 50 લાખ, વડોદરા બજાર સમિતિને રૂ. 45.15 લાખ અને જૂનાગઢ બજાર સમિતિને પણ રૂ. 50 લાખ ચુકવાયા હતા. આમ 2019માં કુલ રૂ. 145 લાખ અને વર્ષ 2020માં રૂ. 194 લાખની સહાય ચુકવાઇ હતી.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સરકાર ભલે ખેડૂતોની આવક બમણી કરવા દાવા કરે છે, પરંતુ બે વર્ષમાં માત્ર 10 સમિતિને જ સહાય ચુકવી છે. એમાં પણ 2020માં જે જે સમિતિને સહાય મળી તે તમામ વિધાનસભાની પેટા ચૂંટણી વિસ્તારમાં આવતી સમિતિઓ હતી. સરકારનો હેતુ છે કે સમિતિ આધુનિક બને અને ખેડુતોને લાભ થાય જોકે આંકડા જોતા સરકારને સહાય ચુકવવામાં કોઇ રસ ન હોવાનું સ્પષ્ટ થાય છે.