Site icon Revoi.in

ગુજરાતમાં ઉત્તરાયણ ઉપર પતંગ ઉડાવી શકાશે, ડ્રોન અને સીસીટીવી કેમેરાથી રખાશે નજર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવા માટે પતંગપ્રેમીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવવાનો ઈન્કાર કર્યો છે. જો કે, લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ધાબા ઉપર પરિવારના સભ્યો સિવાય અન્ય લોકો એકઠા નહીં થઈ શકે. બીજી તરફ સરકારની ગાઈડલાઈનના પાલનને લઈને પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવારમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે.

કેસની હકીકત અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં ઉત્તરાયણની ઉજવણી ઉપર પ્રતિબંધની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં એડવોકેટ જનરલ દ્વારા પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ રજૂઆત કરાઈ હતી કે, સરકાર દ્વારા ઉતરાયણની ઉજવણીને લઈને માર્ગદર્શીકા તૈયાર કરવામાં આવી છે. જે અનુસાર ઉત્તરાયણના તહેવારમાં ધાબા ઉપર પરિવારના સભ્યો સિવાય અન્ય લોકો એકત્રિત થઈ શકશે નહીં. જો અન્ય લોકો એકત્ર થશે તો સોસાયટીના ચેરમેન સહિતના આગેવાનો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે વધારે જણાવ્યું હતું કે, ધાબા ઉપર સામાજીક અંતર અને માસ્ક સહિતના નિયમોનું લોકોએ પાલન કરવાનું રહેશે. માસ્ક નહીં પહેર્યું હોય તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કાલુપુર અને ટંકશાળ સહિતના પતંગ માર્કેટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ ધાબા ઉપર લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તા. 11મી જાન્યુઆરીથી 14 જાન્યુઆરીના રાત્રી સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવશે.

હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ઉતરાયણની ઉજવણી પર કોઈ રોક નહી લાગે. સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન યોગ્ય છે પરંતુ તેનું પાલન પણ થાય તે પણ સરકારે જોવાનું રહશે. અને CCTV તેમજ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કળક કાર્યવાહી કરવામાં આવશે.